વડોદરા ડીઈઓ કચેરીની વેબસાઈટ એક મહિનાથી બંધ
Vadodara News : વડોદરા ડીઈઓ કચેરીની સત્તાવાર વેબસાઈટ છેલ્લા એક મહિના જેટલા સમયથી ઠપ થયેલી છે. હજી સુધી આ સાઈટ ફરી શરૂ કરવા માટે કોઈ હિલચાલ જોવા મળી નથી. ડીઈઓ કચેરીના મોટાભાગના અધિકારીઓ પણ આ બાબતથી અજાણ હોય તેમ લાગે છે.
ડિજિટલ યુગમાં કોઈ પણ સરકારી વિભાગ માટે વેબસાઈટ હવે અનિવાર્ય થઈ ગઈ છે. ઉપરાંત નિયમિત રીતે વેબસાઈટ અપડેટ કરવાની અને અપગ્રેડ કરવાની કાર્યવાહી પણ કરતા રહેવું પડે છે.
જોકે વડોદરા જેવા મોટા જિલ્લાની ડીઈઓ કચેરીની વેબસાઈટ જ બંધ છે અને તેના કારણે બહારગામના લોકોને જાણકારી મેળવવામાં પણ તકલીફ પડી રહી છે. આ વેબસાઈટ પર ડીઈઓ કચેરીને લગતી જાણકારી, કચેરીના અધિકારીઓની માહિતી, વડોદરાના વિવિધ શાળા વિકાસ સંકુલની જાણકારી ઉપલબ્ધ છે.
ઉપરાંત સરકાર દ્વારા જેટલા પરિપત્રો પાઠવવામાં આવે છે તે આ સાઈટ પર નિયમિત રીતે મૂકવામાં આવે છે. જેથી સ્કૂલોને પણ જાણકારી મળતી રહે. શૈક્ષણિક સૂત્રોનું કહેવું છે કે, સાઈટ બંધ હોવાના કારણે પરિપત્રોની જાણકારી સમયસર ઉપલબ્ધ નથી થતી.