Vadodara Crime News: વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ગત મોડી રાત્રે લોહીયાળ જંગ ખેલાયો હતો. આડા સંબંધોની શંકા અને સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોના વિવાદમાં એક 25 વર્ષીય યુવકની હત્યા કરાઈ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, પાણીગેટ વિસ્તારમાં રહેતા 25 વર્ષીય મોહમ્મદ હુસેન ઝુલ્ફીકાર અલી સૈયદ અને વિશાલ કહાર વચ્ચે ગઈકાલે રાત્રે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વકર્યો કે ઉશ્કેરાયેલા વિશાલ કહારે પોતાની પાસે રહેલી છરી વડે મોહમ્મદ હુસેન પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક મોહમ્મદ હુસેન અને તેની પત્ની વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી અણબનાવ હતો અને ત્રણ વર્ષ પહેલા જ બંનેએ છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા બાદ મોહમ્મદની પત્ની અને વિશાલ કહાર વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો. જાણવા મળ્યું છે કે વિશાલ કહારે તાજેતરમાં એક વીડિયો વાઈરલ કર્યો હતો, જે મૃતક મોહમ્મદ હુસેનને પસંદ ન આવતા બંને વચ્ચે રાત્રે ઝઘડો થયો હતો અને પરિણામ હત્યામાં પરિણમ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલથી ધમકી, એરપોર્ટ સિક્યુરિટીએ નોંધાવી ફરિયાદ
આરોપી વિશાલ કહારની ધરપકડ
બનાવની જાણ થતા જ પાણીગેટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પરિસ્થિતિની ગંભીરતાને જોઈ પોલીસે રાત્રે જ તપાસ હાથ ધરીને આરોપી વિશાલ કહારને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.


