Get The App

સગી પુત્રીએ જ પ્રેમીને ઘેર બોલાવી પિતાની ચપ્પુના ઘા મારી હત્યા કરાવી, પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપ્યો

રાત્રે પુત્રીએ જમવામાં ઊંઘની ગોળીઓ નાંખી દીધા બાદ રાત્રે પ્રેમીને બોલાવ્યો ઃ બેની ધરપકડ

Updated: Dec 21st, 2025

GS TEAM

Google News
Google News
સગી પુત્રીએ જ પ્રેમીને ઘેર બોલાવી પિતાની ચપ્પુના ઘા મારી હત્યા કરાવી, પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપ્યો 1 - image


Vadodara News: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મહલી તલાવડી વિસ્તારમાં થયેલી કરપીણ હત્યાના બનાવનો ભેદ જિલ્લા પોલીસે ઉકેલી નાંખ્યો છે. પ્રેમ સંબંધમાં માતા અને પિતા આડખીલી બનતા સગી પુત્રીએ જ પ્રેમીને બોલાવી પિતાની હત્યા કરાવી હોવાની વિગતનો પર્દાફાશ થયો છે. પોલીસે પ્રેમી અને તેના સાગરીતની ધરપકડ કરી હતી. 

પાદરા-જંબુસર રોડ પર આવેલા મહલી તલાવડી ગામમાં ગઇકાલે સવારે શનાભાઇ રાવજીભાઇ ચાવડાની તેમના ઘરની બહાર હત્યા થયેલી લાશ મળતા પોલીસે તપાસ હાથ ધરી  હતી. તપાસ દરમિયાન રણજીત ગજેન્દ્રભાઇ વાઘેલા સામે શંકા દ્રઢ બની  હતી. થોડા દિવસ અગાઉ રણજીત મૃતક શનાભાઇની સગીર વયની દીકરીને ભગાડી જતા તેની સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. જામીન પર છૂટ્યા પછી પણ તે સગીર દીકરી સાથે પ્રેમસબંધમાં હતો. દરમિયાન મૃતક શનાભાઈ અને રણજીત વાઘેલા વચ્ચે ઝઘડો થતા રણજીત વાઘેલાએ બદલો લેવાનું નક્કી કર્યુ હતું.

પોલીસે રણજીતની પૂછપરછ કરતાં શરૂઆતમાં તેણે ગુનામાં સંડોવણી નકારી હતી, પરંતુ બાદમાં તે તૂટી પડયો અને તેણે પોતાના સાગરીત ભવ્ય મહેશભાઇ વસાવા (ઉ.વ.23, રહે.પાદરા ) સાથે મળીને શનાભાઇની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. પોલીસની વધુ તપાસમાં ચોંકાવનારી માહિતી બહાર આવી હતી કે પ્રેમસંબંધમાં સગીર વયની દીકરીએ જ માતા-પિતા આડખીલી બનતા હોવાથી ત્રણ માસથી હત્યાનો પ્લાન તેણે ઘડયો હતો. 

સગી પુત્રીએ જ પ્રેમીને ઘેર બોલાવી પિતાની ચપ્પુના ઘા મારી હત્યા કરાવી, પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપ્યો 2 - image

ગત તા.18 ડિસેમ્બરના રોજ સગીરાએ માતા અને પિતા શનાભાઇના જમવામાં ઊંઘની ગોળીઓ નાખી દીધા બાદ ફોન કરીને પ્રેમી રણજીતને બોલાવ્યો હતો. પ્લાન મુજબ રણજીત પોતાના મિત્ર ભવ્ય સાથે રાત્રિના સમયે શનાભાઇના ઘરે પહોંચ્યો હતો. જ્યાં ઘરની બહાર સૂઈ રહેલા શનાભાઇની છાતીમાં તિક્ષ્ણ ચાકૂના ત્રણ ઘા મારી કરપીણ હત્યા કરી બંને ફરાર થઈ ગયા હતા. ચોંકાવનારી બાબત એ છે કે, જે સમયે રણજીત શનાભાઇ પર ઘાતક હુમલો કરી રહ્યો હતો, તે સમયે સગીર દીકરી ઓરડીની બારીમાંથી પોતાના પિતાની હત્યા નજરે જોઈ રહી હતી. પોલીસે રણજીત ગજેન્દ્રભાઇ વાઘેલા (ઉ.વ. 24૪, રહે. મહલી તલાવડી, પાદરા-જંબુસર રોડ) તથા તેના સાગરીત ભવ્ય મહેશભાઇ વસાવાની ધરપકડ કરી મૃતકના ઘરમાંથી ઊંઘની ગોળીઓ પણ જપ્ત કરી છે.

પુત્રીએ અગાઉ બે વખત હત્યાનો પ્લાન ઘડ્યો પણ નિષ્ફળ ગયો

દીકરી ફરી ભાગી ન જાય તે માટે શનાભાઇ રાત્રિના સમયે પત્ની અને દીકરીને ઓરડીમાં સૂવડાવી બહારથી તાળું મારી ચાવી પોતાની પાસે રાખીને બહાર સૂઈ જતા હતા. આ સ્થિતિનો લાભ લઈ સગીરાએ અગાઉ બે વખત માતા-પિતાની હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક વખત તેણે માતાના પીવાના પાણીમાં ઊંઘની ગોળીઓ નાખી હતી, પરંતુ પાણીનો સ્વાદ બદલાયેલો લાગતા માતાએ પાણી પીધું નહોતું. બીજી વખત ઊંઘની ગોળીઓ ખવડાવી બાદમાં બૂમો પાડતા માતા જાગી જતા પ્લાન નિષ્ફળ ગયો હતો.