સયાજીગંજની મુક્તિધામ ઇમારતનો બાંઘકામ વિવાદ : કોર્પોરેશનની ગેરકાયદેસર બાંધકામની નોટીસ મામલે કોર્ટનો કાયમી સ્ટેનો હુકમ
Vadodara Court : વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ મુક્તિધામ ઈમારતના ગેરકાયદેસર બાંધકામ બાબતે ઇમારતના માલિકો અને કબ્જેદારોએ કાયમી મનાઈ હૂકમ મેળવવા દાવો માંડતા કોર્ટે દાવો આંશિક રીતે મંજૂર કર્યો હતો.
મુક્તિધામ ઈમારતમાં ગેરકાયદેસર બાંધકામ બાબતે ઇમારત તોડી પાડવાની કોર્પોરેશનની નોટિસ મામલે કાયમી મનાઈ હુકમ અને પુનઃ કબ્જો મેળવવા ઇમારતના 19 માલિકો/કબ્જેદારોએ કોર્પોરેશનના કમિશનર અને ટીડીઓ સામે દાવો માંડતા 10માં એડિ સિવિલ જજ એ.એસ.મેમણની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં માલિકો/કબ્જેદારો તરફે દલીલો થઈ હતી કે, વર્ષ 1985-86માં જરૂરી બાંધકામ પરવાનગીઓ મુજબ રજા ચિઠ્ઠી મેળવી નકશા, પ્લાનિંગ આધારે કોર્પોરેશનની મંજૂરી અનુસાર ઈમારતનું બાંધકામ થયું હતું, વર્ષ 1995માં જરૂરી પરવાનગી વગર બાંધકામ થયાનું જણાવી ઈમારત તોડી પાડવાનો ઉલ્લેખ કરતી કોર્પોરેશનને નોટિસ પાઠવી હતી. જ્યારે સમાપક્ષે દલીલો થઈ હતી કે, પાર્કિંગ શરતોનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો ઇમારતની મંજૂરી રદ કરવાનો કોર્પોરેશન અધિકાર છે. કોર્ટે નોંધ્યું હતુ કે, કલમ 268 (1) બી સ્પષ્ટપણે સીડી, લોબી, પેસેજ અથવા લેન્ડિંગ શબ્દ સૂચવે છે, પરંતુ ક્યાંય પાર્કિંગ શબ્દ સૂચવતો નથી, જે આ કેસનો વિવાદ છે, નિર્ધારિત ઇનપેક્ટ ફી ચૂકવી મિલકતનું પાર્કિંગ નિયમિત કરી શકાય છે. ગુજરાત અનધિકૃત વિકાસ અધિનિયમ, 2022 ની કલમ-10 અનુસાર 100% બહુમતી કબજેદારો સાથે ઇમ્પેક્ટ ફી ચૂકવવાની રહેશે. આદેશની તારીખથી 120 દિવસની અંદર દાવાની જગ્યા નિયમિત કરવી પડશે.