વડોદરા કોર્પોરેશન ચાર ઢોર ડબા આઉટસોર્સિંગથી ચલાવશે : વાર્ષિક 1.74 કરોડ ખર્ચ થશે
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના રખડતા ઢોર પકડીને પુરવા માટેના ચાર ઢોર ડબા છે. આ ઢોર ડબાની કામગીરી આઉટસોર્સિંગથી કરવા સ્ટેન્ડિંગ સમિતિએ આ માટેની દરખાસ્ત મંજૂર કરી છે.
ઢોર ડબાની કામગીરીમાં ઢોરોની દેખરેખ, સાર સંભાળ, સારવાર, એનિમલ ટેગિંગ, અન્ય પાંજરાપોળ અને ગૌશાળામાં પશુઓને શિફ્ટ કરવાની કામગીરી, ઢોર ડબાની સફાઈ વગેરેનો સમાવેશ થાય છે. લાલબાગ ઢોર ડબા માટે 48 લાખ, ખાસવાડી માટે 44.46 લાખ, ખટંબા-1 માટે 41 લાખ અને ખટંબા-2 માટે 41.39 લાખ મળી કુલ વાર્ષિક ખર્ચ 1.74 કરોડ થવાનો છે. કોર્પોરેશન ઢોર પકડે તે પછી હવે છોડાવવા માટે ગોપાલકો અગાઉની સરખામણીએ ઓછા આવે છે. ઢોર છોડાવી ન જાય તો બાદમાં તેને પાંજરાપોળમાં શિફ્ટ કરવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા ઢોર પકડવા માટે 18 ટીમો કાર્યરત કરવામાં આવી છે, અને ઢોર પકડવાનું પ્રમાણ પણ વધતા કોર્પોરેશન માટે ઢોરના જીવન નિર્વાહનો ખર્ચ વધ્યો છે. સરકારની સહાયના આધારે કોર્પોરેશન ખટંબા ખાતે વધુ બે ઢોરવાડા બનાવશે, જ્યાં 1000 ઢોરને રાખી શકાશે.. તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીમાં કોર્પોરેશનના ઢોરવાડા માટે 1.56 કરોડનું ઘાસ ખરીદવા ના કામને મંજૂરી આપવામાં આવી હતી.