વડોદરા પાલીકા દ્વારા ઢોર ડબ્બામાં રાખવામાં આવેલા પશુઓની દેખરેખ સહિતની તમામ કામગીરી કોન્ટ્રાક્ટ બેઝથી અપાશે
Vadodara Stray Cattle Policy : વડોદરા શહેરમાં રખડતા ઢોર સહિત ડબ્બામાં પૂરવામાં આવેલા પશુ-ગાયોની દેખરેખ, સારવાર, ડોર ટુ ડોર ટેગિંગ કામગીરી, પાંજરાપોળ-ગૌશાળામાં શિફ્ટિંગની કામગીરી અને સેનિટેશન સહિત વિવિધ કામગીરી પાલિકા તંત્ર દ્વારા હવે કોન્ટ્રાક્ટ બેઝથી કરવા અંગે ઇચ્છુક એનજીઓ, વિવિધ એજન્સીઓને આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે.
ઉલ્લેખનીય છે કે પાલિકાની દબાણ અને સિક્યુરિટી વિભાગ તથા ઢોર ડબ્બા શાખા દ્વારા જણાવાયું છે કે, શહેરમાં રખડતા ઢોર, વિવિધ ડબ્બાઓમાં રાખવામાં આવેલ પશુઓ, ગાયોની દેખરેખ સહિત સારવાર તથા ડોર ટુ ડોર ટેગિંગ કામગીરી કરવા ઉપરાંત પાંજરાપોળ-ગૌશાળામાં પશુઓના સેનિટેશનની કામગીરી અને સેનિટેશન અંગેની તમામ કામગીરી કોન્ટ્રાક્ટ બેઝથી કરાવવાનું પાલિકા તંત્ર દ્વારા વિચારણા હેઠળ છે.
આ કામગીરી અંગે ઇચ્છુંક એનજીઓ, સંસ્થાઓ તથા કોન્ટ્રાક્ટરો, મંડળીઓ અને એજન્સીઓએ પાલિકા તંત્રની વેબસાઈટ ઉપરથી અન્ય વિગતો મેળવી શકાશે. આ અંગે કોન્ટ્રાક્ટર દ્વારા વિવિધ ડોક્યુમેન્ટ દબાણ અને સિક્યુરિટી વિભાગ મહાનગરપાલિકાના ડાયરેક્ટરને ખંડેરાવ માર્કેટ ખાતે આગામી તા.18 માર્ચ અગાઉ મોકલી આપવા પાલિકા તંત્ર દ્વારા જણાવાયું છે.