વડોદરા કોર્પોરેશન વોર્ડ નંબર 14માં ડ્રેનેજના પ્રશ્નોના નિકાલ માટેમાં 4.61 કરોડના ખર્ચે પંપિંગ સ્ટેશન બનાવશે

Vadodara Corporation : વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં છત્રપતિ શિવાજી અતિથી ગૃહ પાસે ડ્રેનેજના પ્રશ્નોના નિકાલ માટે નવું ઓક્ઝિલરી પંપિંગ સ્ટેશન 4.61 કરોડના ખર્ચે બનાવાશે. વડોદરા શહેરના પુર્વ ઝોનના વહીવટી વોર્ડ 14 માં મુખ્યત્વે ડ્રેનેજ લાઈન તથા પંપીંગ સ્ટેશન ગાયકવાડ સમયના ખુબ જ જુના છે. જેથી વિસ્તારની વસ્તીને ધ્યાનમાં રાખતા આ ડ્રેનેજ લાઈન અને પંપિંગ સ્ટેશનની ક્ષમતા ખૂબ જ ઓછી પડે છે. પરિણામે આ વિસ્તારમાં ડ્રેનેજના પ્રશ્નો ઊભા થાય છે. હાલમાં માંડવી ગેટથી આવતી ડ્રેનેજ લાઈનનું સુવેઝ લહેરીપુરા ગેટથી ભગતસિંહ ચોક થઇને આંબેડકર ચોક થઇ બકરાવાડી પંપીંગ સ્ટેશનમાં જાય છે.
આ ડ્રેનેજ લાઈન પણ નાના વ્યાસની અને ઘણી જૂની છે. હાલમાં કાલુપુરા પંપીંગ સ્ટેશન પણ ગાયકવાડ સમયનો છે અને તેની ક્ષમતા પણ ઓછી પડે છે. અગાઉ નવા બજારમાં નવું પંપીંગ સ્ટેશન બનાવવા રજૂઆત કરવામાં આવી હતી. વોર્ડ-14ના સભાસદ દ્વારા પણ વોર્ડ-14માં નવું પંપીંગ સ્ટેશનનું બનાવવા કહ્યું હતું. પુર્વ ઝોનનાં વોર્ડ નં.14 માં માંડવી, ન્યાયમંદીર, મંગળબજાર વગેરે વિસ્તારોમાં વર્ષો જૂની ડ્રેનેજ વ્યવસ્થા છે. આ વિસ્તારનું સુવેઝ લહેરીપુરા ગેટ થઇ બકરાવાડી તરફની ડ્રેનેજ લાઈનમાં જાય છે. જેને કારણે સુવેઝનાં નિકાલમાં વાર થાય છે. વોર્ડ નં.14 ની ઓફીસની સામે છત્રપતિ શિવાજી અતિથી ગૃહની સામે પે એન્ડ યુઝ ટોઇલેટ વાળી જગ્યા પંપિંગ સ્ટેશન બનાવવા માટે પૂરતી છે. આ માટે પે એન્ડ યુઝ ટોઇલેટ પણ તોડવાનું થશે, અને આખરે 400 મીટર લંબાઈમાં લાઈન નાખવામાં આવશે. આ જગ્યા ખૂબ જ ગીચ વિસ્તારમાં અને ટ્રાફિક વાળી હોવાથી રાત્રિના સમયે દરમિયાન જ કામગીરી થશે.

