Gujarat

વડોદરા વરસાદી કાંસોની સફાઈ કોર્પોરેશન ડ્રેન માસ્ટર મશીનથી કરાવશે

By GS TEAM
12 Jul 20251 min read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશન બે મહિના માટે ડ્રેન માસ્ટર મશીન ભાડે લેશે

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા વરસાદી કાંસોની સફાઈ કોર્પોરેશન ડ્રેન માસ્ટર મશીનથી કરાવશે

Vadodara Corporation : વડોદરા શહેરમાં ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીનો નિકાલ વરસાદી કાંસો જેવા કે ભૂખી, મસિયા રૂપારેલ વગેરેમાં બરાબર થઈ શકે તે માટે ડ્રેન માસ્ટર મશીન કોર્પોરેશન બે માસ માટે ભાડે લેનાર છે. ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ અટકે નહીં તે માટે કાંસોના બંને કિનારા પાસેના ઝાડી, ઝાંખરા અને સિલ્ટીંગ દૂર કરવામાં આવે છે, પરંતુ કેટલાક કાંસોમાં પાણી હોવાથી પોકલેન મશીનોથી કાંસની અંદર સફાઈ કામગીરી કરાવી શકાતી નથી. જેને લીધે આવા સ્થળોએ કામ કરવામાં અવરોધ ઊભો થાય છે, જેથી આવા કાંસોમાં ભરાયેલા પાણીમાં ડ્રેન માસ્ટર મશીન ઉતારીને સાફ કરવામાં આવે છે.

ગયા વર્ષે પણ ડ્રેન માસ્ટર મશીનથી પ્રાયોગિક ધોરણે 28 દિવસ માટે કામગીરી કરવામાં આવી હતી. આ વખતે વોર્ડ નંબર 8, 9, 14માંથી વરસાદી કાંસની સફાઈ માટે ડ્રેન માસ્ટર મશીન ફાળવવા રજૂઆત કરવામાં આવી હતી. ગયા મહિને મળેલી સંકલન બેઠકમાં આ કામગીરી સત્વરે કરાવવા સૂચન થયું હતું. ડ્રેન માસ્ટર મશીન મુંબઈથી ટ્રાન્સપોર્ટેશન દ્વારા ભાડે મંગાવી 60 દિવસની કામગીરી માટે આશરે 28.80 લાખ ખર્ચ થશે. મશીનના ઓપરેશન માટે ફ્યુલ અને સફાઈ દરમિયાન નીકળતા કચરાની ટ્રાન્સપોર્ટેશનની જવાબદારી કોર્પોરેશનની રહેશે. સ્થાયી સમિતિમાં આ માટેની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.