વડોદરામાં કોર્પોરેશન હરણી સ્કલ્પચર પાર્ક અને ગોત્રી તળાવ ખાતે યોગ સેન્ટર અને લાઇબ્રેરી બનાવશે
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં હરણી સ્કલ્પચર પાર્ક અને ગોત્રી તળાવ ખાતે યોગ સેન્ટર અને લાઇબ્રેરી બનાવવામાં આવશે. 9મા આંતર રાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી નિમિત્તે સરકાર દ્વારા ગુજરાતમાં 50 લોકોની ક્ષમતા સાથેના 51 પબ્લિક યોગ સ્ટુડિયો એટલે કે સેન્ટર બનાવવાનું આયોજન હાથ ધરેલ છે.
જે અંતર્ગત વડોદરા શહેરમાં 3 યોગ સેન્ટર બનાવવા માટે રાજ્યના પ્રિન્સીપલ સેક્રેટરી (ગુજરાત સ્પોર્ટસ યુથ અને કલ્ચરલ એક્ટીવીટી ડિપાર્ટમેન્ટ) દ્વારા પત્રથી જાણ કરવામાં આવી હતી. યોગ સેન્ટર વિકસાવવા માટે વેલ વેન્ટિલેશન સાથે મિનિમમ ચાર હજાર ચો.ફૂટ એરિયાની આવશ્યકતા રહે છે, અને આવી જગ્યાએ બાંધકામ કરવા જણાવેલ છે. હરણી સ્કલ્પચર પાર્ક અને ગોત્રી તળાવ ખાતે યોગ સેન્ટર તથા લાયબ્રેરી નક્કી કરેલી ડિઝાઇન મુજબ યોગ બનાવવામાં આવનાર છે. જેનો લાભ જાહેર જનતા લઈ શકશે. આ કામનો ખર્ચ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મળનારી ગ્રાન્ટમાં કરવામાં આવશે. બંને સ્થળે આ સુવિધા ઉભી કરવાનો ખર્ચ આશરે 4.14 કરોડ ખર્ચ થશે. સ્ટેન્ડિંગ સમિતિમાં આ માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.