વડોદરા કોર્પોરેશન સ્મશાનોનું સંચાલન આઉટસોર્સિંગ મારફતે કરાવશે
Vadodara Corporation : વડોદરા શહેરમાં 31 સ્મશાનો આવેલા છે. આ તમામ સ્મશાનોનું સંચાલન ખાનગી સંસ્થાઓને સોંપી આઉટસોર્સિંગ મારફતે કરવા કોર્પોરેશન જઈ રહી છે. જેનો વિપક્ષ કોંગ્રેસે વિરોધ કર્યો છે, અને આજે સાંજે આ મુદ્દે કોર્પોરેશનમાં આવેદનપત્ર પણ આપી રજૂઆત કરનાર છે. આ અંગે કોર્પોરેશનના વર્તુળો જણાવે છે કે ટૂંક સમયમાં આ ખાનગી સંસ્થાઓને વર્ક ઓર્ડર આપી દેવામાં આવશે. અગાઉ સ્ટેન્ડિંગ સમિતિમાં આ માટેની દરખાસ્ત મંજૂર થઈ ચૂકી છે.
વડોદરા શહેરના ચાર ઝોનમાં 31 સ્મશાનોનું સંચાલન ત્રણ સંસ્થાઓ કરનાર છે. જેમાં દક્ષિણ અને પશ્ચિમ ઝોન માટે એક જ સંસ્થા છે. ઉત્તર અને પશ્ચિમ ઝોન માટે બે અલગ સંસ્થા છે. કોર્પોરેશનને આઉટસોર્સિંગ દ્વારા સંચાલનનો ખર્ચ 10.43 કરોડ થશે. આ સંસ્થાઓ સ્મશાનની સફાઈ, શૌચાલયની સફાઈ, બગીચાઓનું મેન્ટેનન્સ, લાકડા,છાણા, પૂળા અને આખરી સામાન અંતિમવિધિ માટે આપશે. આ સંસ્થાઓને સ્મશાને અંતિમવિધિ માટે જનારા લોકોએ એક પણ રૂપિયો આપવાનો નથી. કોર્પોરેશન દ્વારા જે વૃક્ષો કાપવામાં આવે છે, તેના લાકડા સ્મશાનોમાં જ જશે. જેમાં લાકડા વેરવાનો પ્રતિ મણ 40 રૂપિયા ખર્ચ કોર્પોરેશન સંસ્થાઓને આપશે. જો સંસ્થા પોતે લાકડા લઈ આવે તો પ્રતિ મણ 160 ચૂકવશે.