વડોદરા કોર્પોરેશનના સફાઈ કામદારો સહિત તમામ કર્મચારીઓ માટેAI બેઝ્ડ હાજરીનો અમલ કરશે
Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનમાં કર્મચારીઓની હાજરી અંગે વિવાદ વચ્ચે હવે અત્યાધુનિક હાજરી સિસ્ટમનો અમલ શરૂ કરવાની દિશામાં તૈયારીઓ હાથ ધરી છે. જે અંતર્ગત AI (જીઓ ફેન્સીંગ) બેઝ્ડ એટેન્ડન્સ (હાજરી) સિસ્ટમ શરૂ કરવા તરફ પગલું ભરવામાં આવ્યું છે. આ માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે અને તારીખ 14 જુલાઈ સુધી ટેન્ડર ભરી શકાશે.
પાલિકામાં કર્મચારીઓની હાજરી અંગે વારંવાર વિવાદ થાય છે. અનેક વખત એવી બાબતો સપાટી પર આવી છે કે, કર્મચારીઓ હાજરી પુરાવીને ઓફિસે હાજર ન હોય અને પોતાના અન્ય અંગત કામમાં વ્યસ્ત હોય. જેને કારણે નાગરિકોના પ્રશ્નો અને ઓફિસ કામને તેની ખૂબ ગંભીર અસર થતી હોય છે. ત્યારે હવે અલગ-અલગ તબક્કામાં વિવિધ હાજરી અંગેના અખતરાઓ કર્યા બાદ હવે કોર્પોરેશન એઆઈ (જીઓ ફેન્સીંગ) બેઝ્ડ એટેન્ડન્સ (હાજરી) સિસ્ટમ શરૂ કરવાની દિશામાં કાર્યવાહી કરી રહ્યું છે. આ માટે પાલિકાએ ઓનલાઇન ટેન્ડર રજૂ કરી તે માટે ઓફર મંગાવી છે. જેનું બીડ ભરવાની અંતિમ તારીખ 14 જુલાઈ છે. હજુ કોઈ પણ ઇજારદારે આમાં હજુ રસ દાખવ્યો નથી પરંતુ છેલ્લા દિવસે કેટલા ઇજારા આવે છે? તેના પર આ અંગેનો આગામી નિર્ણય લેવાઈ શકે છે. AI બેઝ્ડ હાજરી અંગે જાણવા મળ્યા પ્રમાણે, હવે જે કર્મચારીનું નોકરીનું જે સ્થળ હશે ત્યાં તે પોતાનો મોબાઈલ લઈને જશે તો જ તેની હાજરી પૂરાશે. એટલે કે, પાલિકાએ પોતાની વિવિધ કચેરીઓની ચોક્કસ જગ્યા મર્યાદામાં આ અંગે લોકેશનના આધારે કર્મચારીની હાજરી ગણાશે. પાલીકાએ આ અંગે આંતરિક તપાસ પણ કરી લીધી છે કે, મોટાભાગના ક્લાસ વનથી થ્રી (ત્રણ) કક્ષાના તમામ અધિકારીઓ, કર્મચારીઓ પાસે પોતાના મોબાઇલ છે. જેથી તેઓ મોબાઇલ ફોનના માધ્યમથી, જે એપ ડેવલપ કરવામાં આવશે તેમાં, તે પોતાના નોકરીના સ્થળે આવીને પોતાની હાજરી પુરાવી લેશે. પોતાના નોકરીના લોકેશનના ચોક્કસ પેરાફેરી માટે આવવાની સાથે જ મોબાઈલ ફોનની એપની મદદથી પોતાની એટેન્ડન્સ નિશ્ચિત કરી શકશે. જે કર્મચારીઓ પાસે મોબાઈલ નથી જેમાં ખાસ કરીને વર્ગ 4ના કર્મચારીઓ પાસે મોબાઈલ ન હોય તેમાં જે તે વિભાગના સુપરવાઇઝર ગ્રુપ ફોટોના માધ્યમથી કર્મચારીઓની હાજરી પુરશે.
આ અંગે પાલિકા સૂત્રો જણાવી રહ્યા છે કે, જો કોઈ અધિકારી કે કર્મચારીનો મોબાઇલ ફોન બગડ્યો હશે તો અધિકારીને વિશેષ સત્તાના આધારે તે જે તે કર્મચારીની હાજરી પૂરી શકશે. આ ઉપરાંત જે કર્મચારી ઘરે ફોન ભૂલી ગયો હશે તો તે પણ કેવી રીતે ઓફિસમાં પોતાની હાજરી સુનિશ્ચિત કરી શકે? તે માટેના પગલાં વિચારાઈ રહ્યા છે. એક કર્મચારી અન્ય કર્મચારીને પોતાનો મોબાઈલ ફોન આપી હાજરી પુરાવે તે બાબત હાલ અસ્થાને છે તેમ જણાવી સૂત્રો ઉમેરી રહ્યા છે કે, હાલ પ્રાઇવસીના જમાનામાં કોઈ વ્યક્તિ પોતાનો ફોન બીજી વ્યક્તિને આપે તેવું મોટેભાગે જોવા મળતું નથી. હાલ દેશના બેંગ્લોર, હૈદરાબાદ, પુના, પિંપળી ચિંચવડ પાલિકા દ્વારા આ પ્રકારની હાજરી સિસ્ટમનો અમલ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.