વડોદરાના માંજલપુરમાં લોકોની ડિમાન્ડ વધતા કોર્પોરેશન નવો સ્વિમિંગ પૂલ બનાવશે
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના દક્ષિણ ઝોન માંજલપુરમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સની સુવિધા છે, તેની સાથે સાથે સ્વિમિંગની પણ સુવિધા લોકોને મળી રહે તે માટે સ્વિમિંગ પૂલ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ માટે આશરે નવ કરોડનો ખર્ચ થનાર છે, અને હાલ ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે.
વોર્ડ નંબર 18 ના કોર્પોરેટરોના જણાવ્યા મુજબ માંજલપુરના લોકો માટે લાલબાગમાં એક સ્વિમિંગ પૂલ છે જ. જે ખૂબ જ વર્ષો જૂનો છે. માંજલપુર વિસ્તારનો જ્યારે વિકાસ થયો ન હતો ત્યારે આ સ્વિમિંગ પૂલમાં જવા લોકોને સરળ રહેતું હતું, પરંતુ ઓવરબ્રિજ બની ગયા બાદ ત્યાં જવામાં તકલીફ રહે છે. જેથી લોકોની ડિમાન્ડ જલ્દી નવો સ્વિમિંગ પૂલ બનાવવાની હતી. માજલપુર વિસ્તારનો વિકાસ ખૂબ વધી જતા વધુ એક સ્વિમિંગ પૂલ હોય તે જરૂરી બન્યું છે. દરમિયાન આ સ્વિમિંગ પૂલ જ્યાં બનાવવાનો છે તે પ્લોટ શાકમાર્કેટનો હોવાથી મડાગાંઠ ઉભી થઈ છે. શાક માર્કેટની જગ્યામાં સ્વિમિંગ પૂલ નહીં બનાવવા લોકો માંગ કરી રહ્યા છે. સૌપ્રથમ સ્વિમિંગ પૂલ એક સ્કૂલની નજીકની જગ્યામાં બનાવવાનો હતો, ત્યારબાદ હવે શ્રીજી વિસર્જન માટે જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે, તેની નજીકની જગ્યામાં બનાવવાનું વિચાર્યું છે. કોર્પોરેટરોનું કહેવું છે કે સ્વિમિંગ પૂલની જેમ શાકમાર્કેટ પણ જરૂરી છે, એટલે જગ્યા માટેનો મુદ્દો સાથે બેસી ચર્ચા કરી ઉકેલવામાં આવશે, અને વચગાળાનો રસ્તો શોધવામાં આવશે.