વડોદરા કોર્પોરેશનના 24 પ્લોટમાં પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરવાનું આયોજન
Vadodara Municipal Corporation: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કોર્પોરેશન હસ્તકના ટીપી સ્કીમ હેઠળ ફાઇનલ થયેલા 24 પ્લોટમાં પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરવાનું આયોજન વિચારાયું છે. આ માટેની એક દરખાસ્ત સ્ટેન્ડિંગ સમિતિમાં મંજૂરી માટે રજૂ થઈ છે. શહેરના સમા, હરણી, સયાજીપુરા, દંતેશ્વર, તરસાલી, તાંદળજા અટલાદરા, સુભાનપુરા, જીઆઇડીસી, સૈયદ વાસણા અકોટા, યવતેશ્વર, ભીમનાથ, ગોત્રી, છાણી વગેરે સ્થળે આ પ્લોટો આવેલા છે. જેમાંથી દંતેશ્વર, તરસાલી, જીઆઇડીસીના ચાર પ્લોટ નોન ટીપી છે. આ 24 પ્લોટમાં પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરાય તે માટે પ્લોટ ફરતે ફેન્સીંગ અથવા કમ્પાઉન્ડ બનાવવામાં આવશે અને આ માટે કોર્પોરેશનના હાલના નિયમ અનુસાર પે એન્ડ પાર્ક માટે ઇજારો આપવાની કામગીરી જમીન મિલકત શાખા (કોમર્શિયલ) દ્વારા કરવામાં આવશે.
આ 24 પ્લોટ મુખ્યત્વે રહેણાંક અને વાણિજ્ય હેતુ માટેના છે. જોકે કોર્પોરેશન દ્વારા 35 પ્લોટ પાર્કિંગ માટે શોધી કાઢવામાં આવ્યા છે, પરંતુ હાલ આ 24 પ્લોટ માટેની દરખાસ્ત કરવામાં આવી છે. કોર્પોરેશન પાર્કિંગ કમિટીની રચના કરશે. જે પોલીસના સહયોગમાં રહીને પાર્કિંગની સુવિધા માટેનું આયોજન કરશે અને વિસ્તારોમાં પાર્કિંગ માટેના પ્લોટો પણ શોધશે.