Gujarat

રજાના દિવસે મળશે મેયરચૂંટણીની સભા ? બકરી ઈદની રજાની તારીખ બદલાતા વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં અસમંજસ

By GS TEAM
25 May 20262 mins read
TukuTouch Logo
28 મેના રોજ મેયર સહિતના પદાધિકારીઓની વરણી માટે બેઠક નિર્ધારિત

Summarized by AI; it may make mistakes. Check important info

રજાના દિવસે મળશે મેયરચૂંટણીની સભા ? બકરી ઈદની રજાની તારીખ બદલાતા વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં અસમંજસ

Vadodara Corporation : વડોદરા સહિત રાજ્યની સાત મહાનગર પાલિકાઓમાં આગામી 28મી મેના રોજ નવનિયુક્ત મેયર સહિતના પદાધિકારીઓની વરણી થનાર છે. જોકે હવે બકરી ઈદની જાહેર રજાની તારીખમાં ફેરફાર થતાં મેયર ચૂંટણીની બેઠક રજાના દિવસે યોજાશે કે તેની તારીખ બદલાશે તે મુદ્દે અસમંજસ સર્જાયું છે. સમગ્ર મામલે હવે રાજ્ય સરકારના નિર્ણય પર સૌની નજર મંડાઈ છે.

અગાઉ રાજ્ય સરકારે બકરી ઈદની રજા 27 મેના રોજ જાહેર કરી હતી. તેના આધારે વડોદરા સહિત રાજ્યભરની સાત મહાનગર પાલિકાઓમાં 28 મેના રોજ સામાન્ય સભા બોલાવી મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની વરણી માટેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. વડોદરા  મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ આ અંગેનો એજન્ડા પ્રસિદ્ધ કરી દેવાયો છે. એજન્ડા મુજબ 28 મેના રોજ સવારે 11 વાગ્યે ખંડેરાવ માર્કેટ સ્થિત પાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા યોજાનાર છે.

પરંતુ બીજના ચાંદના આધારે રાજ્ય સરકારે હવે બકરી ઈદની રજાની તારીખમાં ફેરફાર કરી 28 મે જાહેર રજા તરીકે જાહેર કરી છે. જેના કારણે હવે મેયર સહિતના પદાધિકારીઓની ચૂંટણી પ્રક્રિયા નિર્ધારિત તારીખે જ યોજાશે કે તેમાં ફેરફાર કરાશે તે મુદ્દે ચર્ચા શરૂ થઈ છે.

જાણવા મળ્યા મુજબ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આ સમગ્ર મામલે રાજ્ય સરકારનો અભિપ્રાય માંગશે. જો સરકાર દ્વારા બેઠકની તારીખ બદલવા અંગે કોઈ સૂચના આપવામાં નહીં આવે તો કમિશનરને મળેલી વિશેષ સત્તાના આધારે જાહેર રજાના દિવસે જ સામાન્ય સભા યોજી ચૂંટણી પ્રક્રિયા યથાવત રાખવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ 25 ડિસેમ્બર 2005ના રોજ ક્રિસમસના જાહેર રજાના દિવસે વડોદરા  મ્યુનિસિપલ કોર્પોરેશનના નવનિયુક્ત બોર્ડની પ્રથમ સામાન્ય સભા મળી હતી. હવે જો 28 મેની બેઠક યથાવત રહેશે તો લગભગ બે દાયકા બાદ ફરી એકવાર જાહેર રજાના દિવસે પાલિકાના નવા બોર્ડની પ્રથમ સામાન્ય સભા યોજાશે, જેમાં મેયર સહિતના પદાધિકારીઓની વરણી કરવામાં આવશે