વડોદરા કોર્પોરેશન સ્ટ્રીટ વેન્ડર્સ પોલીસીનો અમલ કરી હોકિંગ ઝોન બનાવે
Vadodra Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સ્ટ્રીટ વેન્ડર્સ પોલીસી-2014નો અમલ કરીને જ્યાં સુધી હોકીંગ ઝોન બને નહીં ત્યાં સુધી લારી-ગલ્લા અને પથારાવાળાને હેરાન નહીં કરવા માંગણી કરવામાં આવી છે.
વોર્ડ નંબર એકના કોંગ્રેસના સિનિયર મહિલા કોર્પોરેટરએ મેયરને પત્ર લખીને કહ્યું છે કે કોર્પોરેશન દ્વારા ગરીબ લારી-ગલ્લાવાળાઓને એક બાજુ પી.એમ.સ્વ નિધિના નામે વગર વ્યાજની લોન આપવામાં આવે છે. બીજી બાજુ ન લારી-ગલ્લા, પથારા, ટેમ્પા, ઉઠાવી લેવામાં આવે છે. ત્યારે રોજે રોજનું કમાઇને ખાતા લોકોની દયનીય હાલત જોવા મળે છે. કોર્પોરેશનના નિયમ મુજબ 15 દિવસ પછી મુંજમહુડાથી લારી-ગલ્લા અને સામાન છોડાવતા હોય છે. એટલે કે 15 દિવસ બેરોજગાર બનીને પૈસા ભરીને ભાડુ ખર્ચીને સામાન લાવતા હોય છે. વોર્ડ ઓફીસ દરેક મહિને કોર્પોરેશનના નિયમ મુજબ ભાડુ વસુલતા હોય છે. ખરેખર તો કોઈ વીઆઈપી આવવાના હોય ત્યારે લારી-ગલ્લાવાળાઓને આગોતરી જાણકારી વીઆઈપી આવીને પરત જાય નહીં ત્યાં સુધી પોતાનો સામાન ખસેડી લઇ ખાણી-પીણીનો ધંધો બંધ રાખે તેવી સુચના આપવામાં આવે તો તેનો ધંધો રોજગાર પણ ન બગડે અને સામાન છોડાવવાનો ખર્ચો પણ ન થાય.