વડોદરા કોર્પોરેશને પગાર અને પેન્શન પેટે 65 કરોડનું પેમેન્ટ કરી દીધું

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને તેના તમામ કર્મચારીઓ અને પેન્શનરોને પેન્શન તથા પગાર પેટે 65 કરોડ રૂપિયાનું પેમેન્ટ કરી દીધું છે. વર્ગ ચારના કર્મચારીઓને રાજ્ય સરકારના ધોરણે 30 દિવસ લેખે બોનસનું ચુકવણું બે દિવસમાં કરી દેવામાં આવશે. બોનસ પેટે કોર્પોરેશન અંદાજે ત્રણ કરોડનું ચુકવણું કરશે. સામાન્ય રીતે કોર્પોરેશન દર મહિનાના આખરમાં પગારનું પેમેન્ટ કરતું હોય છે, પરંતુ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને આ વખતે દશપંદર દિવસ વહેલા પેમેન્ટ કરી દીધું છે. કોર્પોરેશનના કર્મચારીઓ અને પેન્શનરો મળીને આશરે 15 હજારની સંખ્યા થાય છે.
રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓના ડીએમાં 3% નો વધારો કર્યો છે. વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓને પણ આનો લાભ મળવાનો હોવાથી ડીએનએ વધારાના ડીફરન્સનું ચુકવણું આ મહિનાના અંત સુધીમાં કરી દેવામાં આવશે. ડીએના ડીફરન્સ તરીકે કોર્પોરેશન ચાર કરોડનું પેમેન્ટ કરશે. ડીએમાં વધારો થતાં કોર્પોરેશન માટે દર મહિને એક કરોડનો નાણાકીય બોજ વધશે. કોર્પોરેશન દ્વારા પગાર પેન્શનના પેમેન્ટની સાથે સાથે ઇજારદારોના બિલોનું પણ પેમેન્ટ ચાલુ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે.