સાયબર એટેક ઇફેક્ટ : વડોદરા કોર્પોરેશને "ફાયર વોલ" ચેક કરાવ્યું, બધા સોશિયલ પ્લેટફોર્મ સુરક્ષિત
Vadodara Corporation : ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા યુદ્ધ બાદ બંને દેશો દ્વારા થઈ રહેલા સાયબર એટેક અને તેના પ્રયાસ પછી વિવિધ એજન્સી અને સરકારી તંત્ર એલર્ટ બન્યું છે. ત્યારે વડોદરા કોર્પોરેશને પણ આ બાબતે તકેદારી લઈ "ફાયર વોલ" ચેક કરાવી છે અને પાલિકાની વેબસાઈટ તથા અન્ય સોશિયલ પ્લેટફોર્મ સંપૂર્ણ સુરક્ષિત હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલા બાદ ભારતે કડક પગલાં લઈ પાકિસ્તાનના વિવિધ આતંકવાદી કેમ્પ પર હુમલા કર્યા હતા. જેના બીજા દિવસે ભારતે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ વ્યસ્ત કરી દીધી હતી. તે પછી ભારતમાં ખાસ કરીને સાયબર એટેક થાય તે દ્રષ્ટિએ ડિફેન્સ સહિત અનેક સરકારી વેબસાઈટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બાબતે ખાસ સતર્કતા દાખવવામાં આવી રહી છે. ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે સાયબર એટેક પણ એક મહત્વનો હુમલો હોઈ શકે છે. જેથી કોર્પોરેશનનું આઇટી વિભાગ પણ સજાગ છે. પાલિકાના આઈટી ડાયરેક્ટર મનીષ ભટ્ટે જણાવ્યું હતું કે, અમે કોર્પોરેશનની વેબસાઈટ અને તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત નજર રાખી રહ્યા છે અને યુદ્ધ બાદ અમે "ફાયર વોલ" પણ ચેક કરાવ્યું છે. જેમાં કોઈ કન્ટેન્ટ વર્ચ્યુઅલથી કે બહારથી આવે તેને ચેક કરીએ છીએ અને પછી તેને એક્સેસ કરવું કે નહીં? તે જોયા પછી આગળની પ્રક્રિયા કરવામાં આવે છે. જે લોકો વેબ એક્સેસ અને સર્વર ક્લાઉડ ઉપર હોય તેઓએ ખાસ એલર્ટ રહેવું જોઈએ. આપણે "ફાયર વોલ" ચેક કરાવ્યું એવું સામાન્ય રીતે રાજ્યની તમામ મહાનગર પાલિકા પણ કરતી હશે અને દર 90 દિવસે આપણે આપણા બધા પાસવર્ડ બદલી નાખીએ છીએ. મનીષ ભટ્ટે એમ પણ જણાવ્યું કે, "બને ત્યાં સુધી પોતાના પાસવર્ડ સરળ ન રાખો, કેપિટલ, સેકન્ડ લેટર, નંબર અને સ્પેશિયલ કેરેક્ટર રાખવાથી આવા પાસવર્ડ વધુ સેફ રહે છે." હાલ આપણે જે ક્રોસ ચેક કરવાનું હતું એ જરૂરી તપાસ કરી લીધી છે અને હાલ વધારે કશું કરવાની જરૂર જણાતી નથી.