વડોદરા: અકોટા વિસ્તારમાં લોકોને આવાસો મળવાથી જગ્યા ખાલી કરતા કોર્પોરેશને વસાહતના મકાનો તોડ્યા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અકોટા વિસ્તારમાં અકોટા દાંડિયા બજાર બ્રિજ પૂરો થાય છે, ત્યાં બાજુમાં ખુલ્લી જગ્યામાં બનેલી વસાહતમાં રહેતા લોકોએ જગ્યા ખાલી કરતા આજે ત્યાં બુલડોઝર ફેરવી 30 જેટલા મકાનના સ્ટ્રક્ચર તોડી પાડ્યા હતા. વડોદરા કોર્પોરેશન દ્વારા વર્ષ 2010માં અકોટા દાંડિયા બજાર બ્રિજ બનાવ્યો હતો, ત્યારે બ્રિજમાં નડતરરૂપ વસાહત માં રહેતા આશરે 90 લોકોને મકાનો ફાળવવાનો મુદ્દો આવ્યો હતો. એ સમયે ઘણા લોકો પ્રતાપ નગર જતા રહ્યા હતા અને આશરે 30 લોકો અહીં જ રહ્યા હતા .જેઓએ નજીકમાં ઘર મળે તેવો આગ્રહ રાખ્યો હતો, કારણ કે તેઓની રોજીરોટી આ વિસ્તાર સાથે સંકળાયેલી હતી.
આ વિસ્તારના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના કહેવા મુજબ અહીં રહેતા લોકોને સન ફાર્મા રોડ ઉપર રાજીવ આવાસ યોજનાના મકાનો મળ્યા છે. જેથી તેઓ ત્યાં રહેવા જતા રહ્યા છે, અને 26મીએ બધુ ખાલી કરી આપતા શરત મુજબ કોર્પોરેશનને આ જગ્યા પરત સોંપી રહ્યા છીએ. કોર્પોરેશન મકાનના જે સ્ટ્રક્ચર છે ,તે તોડી જગ્યાનો કબજો લઈ લેશે .લોકોની માંગ મકાનોની હતી અને તે પૂર્ણ થતા જગ્યા પરત આપવામાં આવી રહી છે. અહીં નજીકમાં કોર્પોરેશનની નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા છે. જે તોડીને નવી બનાવવામાં આવનાર છે, અને આ જગ્યા ખાલી થતા હવે અહીં શાળાના બાળકોને રમતગમતનું મેદાન પણ મળી રહેશે એમ તેમનું કહેવું છે.