વડોદરા કોર્પોરેશને 22મુ અર્બન હેલ્થ સેન્ટર બનાવ્યું
- દર 50 હજારની વસ્તીએ એક હેલ્થ સેન્ટર હોવું જોઈએ, હજી બીજા 12 બનાવાશે
વડોદરા, તા. 14 નવેમ્બર 2020 શનિવાર
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં કિશનવાડી ખાતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 1 કરોડ 35 લાખના ખર્ચે નવું અર્બન હેલ્થ સેન્ટર બનાવ્યા બાદ તેનું લોકાર્પણ કરાયું છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં આ સેન્ટરનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ અર્બન હેલ્થ સેન્ટર શહેરી ગરીબો માટે મકાનો જ્યાં બનાવ્યા છે. તેની સામેના પ્લોટમાં ગધેડા મારકેટ ચાર રસ્તા પાસે તૈયાર કરાયું છે.
અર્બન હેલ્થ સેન્ટર સરકારે ફાળવેલ ગ્રાન્ટ માંથી 1,635 ચોરસ મીટર વિસ્તારમાં બનાવ્યું છે. શહેરનું આ 22 મુ અર્બન હેલ્થ સેન્ટર છે. કોર્પોરેશને શહેરમાં વસ્તીના આધારે કુલ 34 અર્બન હેલ્થ સેન્ટર બનાવવા આયોજન કર્યું છે. જેમાં અત્યાર સુધીમાં 22 બની ગયા છે અને ચાલુ થઈ ચૂક્યા છે.
આ સેન્ટર બનતા કિશનવાડી અને તેના નજીકના વિસ્તારમાં રહેતા આશરે સાડા ત્રણ લાખ લોકોને કોર્પોરેશનની આરોગ્યલક્ષી સુવિધાઓ મળી શકશે. અહીં સ્ત્રી પુરુષો માટે અલગ વોર્ડ ઉપરાંત પ્રાથમિક સર્જરી તથા ઓપરેશન માટે નાના ઓપરેશન થિયેટર ની પણ વ્યવસ્થા ઉભી કરાઈ છે. અર્બન હેલ્થ સેન્ટર દર 50 હજારની વસ્તીએ એક બનાવવાનું હોય છે.
વડોદરાની 17 લાખની વસ્તીની દ્રષ્ટિએ 34 નો ટાર્ગેટ પૂરો કરવા હવે 12 હેલ્થ સેન્ટર બનાવવાના છે અને તે માટે જગ્યા શોધીને કામ શરૂ કરવામાં આવશે. કોર્પોરેશનના ચાલુ વર્ષના બજેટ વખતે વધુ સાત અર્બન હેલ્થ સેન્ટરના સેન્ટરના બાંધકામનું અને ચાર નવા સેન્ટર વિકસાવવાની ઘોષણા કરવામાં આવી હતી.