- વેપારીઓએ તંત્ર વિરુદ્ધ સુત્રોચ્ચાર પોકારી નારાજગી દર્શાવી
વડોદરા, તા. 04 ફેબ્રુઆરી
વડોદરા શહેરમાં ભુતડીઝાંપા વિસ્તારમાં ભરાતું શુક્રવારી બજાર સતત ચાર સપ્તાહથી કોરોનાના પગલે બંધ છે. આજે વધુ એક વખત શુક્રવારી બજાર ભરાતા વેપારીઓને પોલીસે ખદેડી બજાર બંધ કરાવ્યું હતું. જેથી વેપારીઓએ તંત્ર વિરુદ્ધ છાજિયા કુટી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
વડોદરા શહેરમાં 100 વર્ષ ઉપરાંતથી ભરાતું શુક્રવારી બજાર છેલ્લા ચાર સપ્તાહ થી બંધ રહેવા પામ્યું છે.આ બજારમાં નાના વેપારીઓ જુના કપડા સહિતની ચીજવસ્તુઓનો વેપાર કરી પોતાની આજીવિકા રળતા હોય છે. હાલ સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં કોરોનાના કેસ વધતાં સંક્રમણ વધુ ફેલાય નહીં તેને ધ્યાનમાં રાખીને વડોદરા કોર્પોરેશન તેમજ પોલીસ દ્વારા શુક્રવારી બજાર સતત ચાર સપ્તાહથી બંધ કરાવવામાં આવ્યું હતું.જેને કારણે વેપારીઓએ કોર્પોરેશનમાં મોરચો માંડી કોર્પોરેશન પરિસરમાં જ પથારો માંડી બજાર ભર્યું હતું.અને શુક્રવારી બજારને પુનઃ શરૂ કરવા રજૂઆત કરી હતી.જોકે જે બાદ આજે શુક્રવારે વધુ એક વખત શુક્રવારી બજારમાં વેપારીઓ ધંધો કરવા આવતા પોલીસે તમામ વેપારીઓને ખદેડીને શુક્રવારી બજાર બંધ કરાવતા મહિલા વેપારીઓએ તંત્ર વિરુદ્ધ છાજીયા કૂટયા હતા.


