વડોદરાના સીટી વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા : પે એન્ડ પાર્કમાં વધુ વસૂલાતના આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં મલ્ટી લેવલ પાર્કિંગ સહિતની આધુનિક પાર્કિંગ સુવિધાઓના દાવા કરવામાં આવે છે, પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ પાર્કિંગની સમસ્યા યથાવત હોવાનું નાગરિકો જણાવી રહ્યા છે.
હાલ શાળાઓ શરૂ થતાં સીટી વિસ્તાર અને મંગળ બજારમાં ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા પાર્કિંગનો પ્રશ્ન વધુ ગંભીર બન્યો છે. નાગરિકોના જણાવ્યા મુજબ બુટ, ચપ્પલ, યુનિફોર્મ અને અન્ય સામગ્રીની ખરીદી માટે બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. જોકે વાહનો પાર્ક કરવા માટે પૂરતી જગ્યા ન હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે અનેક વાહનચાલકો રસ્તા પર જ વાહનો પાર્ક કરવા મજબૂર બન્યા છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે.
પદ્માવતી શોપિંગ સેન્ટર નજીક આવેલા પે એન્ડ પાર્કમાં નિયત દર કરતાં વધુ રકમ વસૂલવામાં આવતી હોવાના આક્ષેપ નાગરિકોએ કર્યા છે. કોન્ટ્રાક્ટર દ્વારા મનફાવે તેવી વસૂલાત કરી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી હોવાનું પણ જણાવાયું છે.
નાગરિકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પે એન્ડ પાર્કની કામગીરીની તપાસ કરાવવા તેમજ શહેરમાં પૂરતી અને સુવ્યવસ્થિત પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવાની માગ ઉઠાવી છે. આ ઉપરાંત ટાઉન પ્લાનિંગ વિભાગની રહેમનજર હેઠળ થયેલા આડેધડ બાંધકામોના કારણે પાર્કિંગ માટેની જગ્યાઓ ઘટી ગઈ હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.









