Get The App

પ્રેમ લગ્ન કરનાર યુવતીને ધમકી આપતા સાવકા મામા સહિત ચાર સામે ગુનો દાખલ

Updated: Jun 8th, 2025

GS TEAM


Google News
Google News
પ્રેમ લગ્ન કરનાર યુવતીને ધમકી આપતા સાવકા મામા સહિત ચાર સામે ગુનો દાખલ 1 - image


દશરથ ગામ થાંભલા વાળા ફળિયામાં રહેતી માનસી જૈમીન કુમાર મકવાણાએ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે હું મારા પતિ તથા સાસુ સસરા અને દિયર સાથે રહું છું તેમજ બીએડના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. મારુ પિયર નર્મદા જિલ્લાના આમલેથા ગામે છે. 10 વર્ષ અગાઉ મારા માતા મંજુલાબેનનું અવસાન થતાં મારા પિતાએ દશરથ ગામમાં રહેતા નયનાબેન સાથે વર્ષ 2017માં બીજા લગ્ન કર્યા હતા જેથી હું પ્રસંગોપાત દશરથ જતી હતી. તે દરમિયાન દશરથ ગામમાં રહેતા જૈમીનકુમાર વિનુભાઈ મકવાણા સાથે ઓળખાણ થઈ હતી અને અમારે પ્રેમ સંબંધ થયો હતો અને જુલાઈ 2024માં પંચમહાલના વેજલપુર ગ્રામ પંચાયત ખાતે અમે ઘરના સભ્યોને જાણ કર્યા વિના રજીસ્ટર મેરેજ કરી લીધા હતા. ત્યારબાદ એપ્રિલ 2025થી હું મારા માતા પિતાને જાણ કર્યા વિના સાસરીમાં આવી ગઈ હતી. જે બાબતે મારા પિતાએ રાજપીપળા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુમ થયાને જાણ કરી હતી. મેં પોલીસ સ્ટેશનમાં હાજર થઈને કહ્યું હતું કે, મેં મારી મરજીથી લગ્ન કર્યા છે અને મારા પતિ સાથે રહેવા માંગુ છું. 

દશરથ ગામમાં રહેતા મારા સાવકા મામા તેમના સાળા સાથે મારા લગ્ન કરાવવા જતા હતા પરંતુ મેં અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા હોય તેઓને મન દુઃખ થયું હતું. મારા સાવકા મામા અવારનવાર અમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા અને મારા પતિ તથા સાસુ સસરા સાથે ઝઘડો કરતા હતા. ગત 12 મી મેના રોજ લોખંડની પાઇપ લઈને તેઓ ધસી આવ્યા હતા અને ધમકી આપી હતી. તે બાબતે છાણી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી પરંતુ ફળિયાના લોકોએ સમાધાન કરાવ્યું હતું તેમ છતાં તેઓ અમારા ઘરની સામે જોઈને ગાળો બોલે છે.

Tags :