Get The App

વડોદરાના નિઝામપુરામાં કેબલ કામગીરીથી પાણી-ડ્રેનેજ લાઈનમાં ભંગાણ, નાગરિકોની મુશ્કેલી વધી

Updated: Jan 12th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરાના નિઝામપુરામાં કેબલ કામગીરીથી પાણી-ડ્રેનેજ લાઈનમાં ભંગાણ, નાગરિકોની મુશ્કેલી વધી 1 - image

Vadodara Corporation : વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં ડીલક્ષ ચાર રસ્તા પાસે કોન્ટ્રાક્ટર દ્વારા ચાલી રહેલી કેબલ નાખવાની કામગીરી દરમિયાન પાણી અને ડ્રેનેજની લાઈનમાં ભંગાણ સર્જાયું છે. છેલ્લા પાંચ દિવસથી આ સમસ્યા યથાવત રહેતા પીવાનું પાણી ડ્રેનેજમાં વહી રહ્યું છે, જ્યારે ડ્રેનેજનું ગંદુ પાણી પીવાની લાઈનમાં ભળી જતાં લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો ઊભો થયો છે.

માર્ગ પર સતત પાણી ભરાવ રહેવાના કારણે સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે સામાજિક કાર્યકરે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનું વહેલી તકે નિરાકરણ ન આવતા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમણે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરીને દંડ ફટકારવા સાથે સસ્પેન્ડ કરવાની માંગ ઉઠાવી છે.

સ્થાનિક મહિલા કાઉન્સિલરે જણાવ્યું હતું કે, સંકલન વિના કરવામાં આવેલી કામગીરીનું આ સીધું પરિણામ છે અને પ્રથમ દ્રષ્ટિએ કોન્ટ્રાક્ટરની સ્પષ્ટ બેદરકારી દેખાઈ આવે છે. તેમણે કોન્ટ્રાક્ટરનું લાઇસન્સ રદ કરવાની માંગ કરી હતી અને જણાવ્યું હતું કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થવા અત્યંત ગંભીર બાબત છે, જેમાં મ્યુનિસિપલ તંત્રએ તાત્કાલિક અને કડક પગલાં લેવા જરૂરી છે.