વડોદરાના વેપારીને ખંભાતના વ્યાજખોરનો ત્રાસ રૃા.૩૦ લાખ મુદ્દલ અને રૃા.૨૨ લાખ વ્યાજ ચૂકવ્યુ છતા રૃા.૭ લાખની ઉઘરાણી
મુદ્દલ ચૂકવતા પ્રોપર્ટીના દસ્તાવેજો વ્યાજખોરે પરત કર્યા છતા વધુ વ્યાજ માટે માનસિક ત્રાસ આપતા ગુનો
વડોદરા, તા.27 વડોદરાના દવાના વેપારીએ રૃા.૩૦ લાખ મુદ્દલ તેમજ વ્યાજ રૃા.૨૨ લાખ ચૂકવ્યા છતાં ખંભાતના વ્યાજખોરે વધુ રૃા.૭ લાખના વ્યાજની ઉઘરાણી કરી માનસિક હેરાન કરતા આખરે વેપારીએ પોલીસનો સહારો લેવો પડયો છે.
કારેલીબાગ વિસ્તારમાં ઇન્દ્રપુરી સોસાયટી પાછળ પુરવ ફ્લેટમાં રહેતા જીતેન્દ્ર વસંતલાલ શાહે વ્યાજખોર જયેશ ચંદુલાલ ગાંધી (રહે.વડવાળુ દેવની પોળ, રાણા ચકલા, ખંભાત, તા.આણંદ) સામે વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું સંગમ સોસાયટીમાં ફાર્માસ્યૂટિકલ્સનો વેપાર કરું છું. વર્ષ-૨૦૨૦માં કોવિડમાં વેપાર નહી ચાલતા તેમજ રો મટિરિયલ લાવવાનું હોવાથી પૈસાની જરૃર ઊભી થઇ હતી.
મારા બોરસદ ખાતે રહેતા મિત્ર રાજેશ શાહે મને જયેશ ગાંધીનું નામ આપી તેઓ પ્રોપર્ટીના બદલે વ્યાજે નાણાં આપે છે તેમ જણાવતા અમે બંને ખંભાત જઇને જયેશ ગાંધીને મળ્યા હતા અને મારી પુરવ ફ્લેટ ખાતેની દુકાનના કાગળો તેને આપી રૃા.૩૦ લાખ રોકડા લીધા હતાં. માસિક ૨ ટકા વ્યાજ નક્કી કર્યા મુજબ હું રૃા.૬૦ હજાર નિયમિત વ્યાજ ચૂકવતો હતો. ફેબુ્રઆરી-૨૦૨૪ સુધી વ્યાજ આપ્યા બાદ મારી પાસે સગવડ નહી થવાથી વ્યાજની રકમ આપી ન હતી. સપ્ટેમ્બર-૨૦૨૪માં મારી દુકાન વેચીને રૃા.૩૦ લાખ જયેશ ગાંધીને ચૂકવી દીધા હતા અને પ્રોપર્ટીના કાગળો મેં પરત લીધા હતાં.
જાન્યુઆરી-૨૦૨૫માં જયેશ ગાંધીનો મને ફોન આવ્યો હતો અને વ્યાજના રૃા.૭ લાખ હજી બાકી છે મને ખંભાત આવીને આપી જાઓ તેમ કહેતા મેં તેમને વ્યાજ અને મુદ્દલની રકમ આપી દીધી છે તેમ કહ્યુ છતાં તેઓ માનતા ન હતા અને વારંવાર ફોન કરી રકમની ઉઘરાણી કરે છે.