વડોદરા: કુખ્યાત બૂટલેગરના બેંક ખાતા ડીફ્રીઝ કરવાની અરજી કોર્ટે ફગાવી, 28 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara GUJCTOC Case: વડોદરા તાલુકાના રતનપુર ગામના કુખ્યાત બૂટલેગર રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ અને તેના પરિવારના સભ્યો સામે ગુજસીટોક (GUJCTOC)નો ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ પોલીસે તેમના બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા હતા. જે પૈકી 2 બેંક એકાઉન્ટ ડીફ્રીઝ કરવા માટે બે મહિલાઓએ અરજી કરી હતી, જેને અદાલતે નામંજૂર કરી દીધી છે. ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું હતું કે, અરજદારો આ કરોડો રૂપિયાની કાયદેસરની આવકનો સ્ત્રોત સાબિત કરવામાં નિષ્ફળ ગયા છે, જેથી બેંક ખાતા ડીફ્રીઝ કરવા ન્યાયના હિતમાં યોગ્ય નથી.
ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લાના વરણામા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025માં આરોપીઓ સામે હત્યાની કોશિશ, આર્થિક ગુનાઓ તેમજ વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી જેવા સંગઠિત ગુનાઓ આચરવા બદલ ગુજસીટોક હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસની તપાસ દરમિયાન તપાસ અધિકારીએ 'સચિન પેટ્રોલિયમ'ના ભાગીદારો સીમાબેન જયસ્વાલ અને કવિતાબેન જયસ્વાલના સંયુક્ત તેમજ વ્યક્તિગત એચ.ડી.એફ.સી. (HDFC) બેંક ખાતાઓ ફ્રીઝ કર્યા હતા.
તપાસ દરમિયાન આ બંને એકાઉન્ટમાં કુલ રૂપિયા 28 કરોડથી વધુના જંગી અને શંકાસ્પદ નાણાકીય ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા. આ કાર્યવાહી સામે બંને મહિલાઓએ પોતાના બેંક એકાઉન્ટ ડીફ્રીઝ કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી. અદાલતમાં સુનાવણી દરમિયાન સ્પેશિયલ સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આ ખાતાઓનો સીધો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓથી મેળવેલા નાણાં છુપાવવા અને તેની હેરફેર (મની લોન્ડરિંગ) કરવા માટે કરવામાં આવ્યો છે.
જ્યારે તપાસ અધિકારી ડીવાયએસપી (DySP)એ સોગંદનામું રજૂ કરી જણાવ્યું હતું કે, સીમાબેનના વ્યક્તિગત બેંક ખાતામાં રૂપિયા 4.54 કરોડથી વધુ અને સચિન પેટ્રોલિયમના સંયુક્ત ખાતામાં રૂપિયા 23.59 કરોડથી વધુના જંગી નાણાકીય ટ્રાન્ઝેક્શન્સ મળી આવ્યા છે, જે બંને મળીને કુલ રૂપિયા 28.14 કરોડથી વધુ થાય છે. આ ખાતાઓમાં મોટાભાગની રકમ વિદેશી દારૂ ખરીદવા આવતા ગ્રાહકો દ્વારા યુપીઆઈ (UPI) અને ઓનલાઇન માધ્યમથી જમા કરાવવામાં આવી હતી. મહિલાઓ આ નાણાના કાયદેસરના સ્ત્રોત બાબતે કોઈ સંતોષકારક જવાબ આપી શકી નથી. ન્યાયાધીશે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ એકાઉન્ટ ડીફ્રીઝ કરવાની બંને અરજીઓ નામંજૂર કરી હતી.
3 એકાઉન્ટમાં 40 કરોડના ટ્રાન્ઝેક્શન અને ગ્રોસ ઇન્કમ માત્ર 85 લાખ દર્શાવી!
તપાસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, તપાસમાં મેસર્સ સચિન પેટ્રોલિયમ દ્વારા વર્ષ 2022 થી 2024 દરમિયાન નાયરા કંપનીમાંથી ખરીદેલા કુલ ડીઝલ અને પેટ્રોલના વેચાણ પરથી કાયદેસરની અંદાજિત આવક રૂપિયા 19.3 કરોડ થાય છે. તેની સામે ફર્મના અલગ-અલગ 3 બેંક એકાઉન્ટમાં રૂપિયા 40 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન્સ મળી આવ્યા હતા, જે કાયદેસરના વેચાણ કરતા બમણાથી પણ વધારે છે. બીજી તરફ પેઢીના ઇન્કમટેક્સ રિટર્ન (ITR)માં માત્ર રૂપિયા 85 લાખની ગ્રોસ ઇન્કમ દર્શાવવામાં આવી હતી.
આમ, કાયદેસરની આવક, બેંક ખાતાના ટ્રાન્ઝેક્શન અને ભરેલા ટેક્સ રિપોર્ટ વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો હતો. જે સાબિત કરે છે કે પેટ્રોલ પંપની આડમાં સંગઠિત ટોળકી દ્વારા વિદેશી દારૂના ગેરકાયદે વેચાણના કાળા નાણાંને ધોળા કરવા માટે આ એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો.








