મુંબઇ સાજીદ અપહરણ કેસમાં વડોદરાના બૂટલેગરની ધરપકડ
ન્યૂ વીઆઇપીરોડ ખાતેથી પકડાયેલા દીપક શર્માની પૂછપરછ દરમિયાન નામ ખૂલ્યું
વડોદરા,મુંબઈના બહુચચત સાજીદ ઇલેક્ટ્રિકવાલા અપહરણ કેસના વોન્ટેડ આરોપી દિપક શર્માને વડોદરામાંથી પકડયા પછી મુંબઇ ક્રાઇમ બ્રાંચે તેના રિમાન્ડ લીધા હતા. તપાસ દરમિયાન વડોદરાના એક બૂટલેગરનું નામ ખૂલતા ક્રાઇમ બ્રાંચ ટ્રાન્સફર વોરંટના આધારે તેને મુબઇ લઇ ગઇ છે.
મુંબઈમાં જૂન મહિનામાં થયેલા સાજીદ અપહરણ કેસમાં મુંબઇ ક્રાઇમ બ્રાંચે કુલ ૧૦ આરોપીઓની ધરપકડ કરી છે. એક સપ્તાહ પહેલા મુંબઇ ક્રાઇમ બ્રાંચની ટીમ આ ગુનામાં સંડોવાયેલા આરોપી દીપક શર્માને પકડવા માટે વડોદરા આવી હતી. આરોપી ન્યૂ વી.આઇ. પી. રોડ મોતી પાર્ક સોસાયટીમાં રહેતો હોવાની માહિતીના આધારે પોલીસને સાથે રાખીને ક્રાઇમ બ્રાંચની ટીમે દીપક શર્માને ઝડપી પાડયો હતો. તેના ઘરે કબાટમાંથી દેશી બનાવટનો એક તમંચો અને પાંચ જીવતા કારતૂસ પણ મળ્યા હતા. ફાયરિંગ, નકલી ચલણી નોટ, ખૂનની કોશિશ અને મારામારી જેવા ૧૦ ગુનાઓનો ભૂતકાળ ધરાવતા દીપક શર્માને પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લીધા હતા. રિમાન્ડ દરમિયાન હાથ ધરેલી પૂછપરછ દરમિયાન વડોદરાના બૂટલેગર નીરવ મગનભાઇ સોલંકી (રહે.ખોડિયાર નગર, ન્યૂ વી.આઇ. પી. રોડ) નું નામ ખૂલ્યું હતું. જેથી, મુંબઇ પોલીસે વડોદરા પોલીસનો ફરીથી સંપર્ક કર્યો હતો. નીરવ સોલંકી હાલ પ્રોહિબીશનના ગુનામાં વડોદરા જેલમાં હતો. જેથી, મુંબઇ પોલીસે વડોદરા કોર્ટમાંથી આરોપી નીરવ સોલંકીનો કબજો લઇ ધરપકડ કરવા માટે ટ્રાન્સફર વોરંટ લીધું હતું. મુંબઇ પોલીસે વડોદરા જેલમાંથી તેનો કબજો મેળવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, નીરવ સોલંકી સામે મારામારી, ખંડણી અને પ્રોહિબીશનના કુલ ૧૧ ગુનાઓ નોંધાયા છે. વડોદરા ઉપરાંત મહિસાગર, આણંદ, છોટાઉદેપુર અને જાંબુઘોડામાં પણ તેની સામે કેસ નોંધાયા છે.
એપ્રિલ મહિનામાં પકડાયેલા દારૃના કેસમાં નીરવ જેલમાં હતો
વડોદરા,
ગત એપ્રિલ મહિનાની ૨૬ મી તારીખે પીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે આજવા રોડ સિદ્ધેશ્વર હોલ માર્કની સામે વૃંદાવન પાર્ક સોસાયટીની ગલીમાંથી કારમાં દારૃની ૮૬૦ બોટલો લઇને બેઠેલા સુનિલ ઉર્ફે કાલુ પ્રવિણભાઇ પરમાર (રહે.ઓમકારપુરા ગામ, તા. વડોદરા) તથા જયદેવપુરી ધર્મેન્દ્રપુરી ગોસ્વામી (રહે. રત્નદીપ ગ્રીન ફ્લેટ, સોમા તળાવ પાસે) ને ઝડપી પાડયા હતા.આ દારૃનો જથ્થો નીરવ સોલંકીએ મંગાવ્યો હતો. આ ગુનામાં પોલીસે નીરવની ધરપકડ કરી હતી. જે હાલમાં જેલમાં હતો.જ્યાંથી મુંબઇ પોલીસે તેનો કબજો લીધો છે.