Get The App

'હું ભાજપમાંથી જ ચૂંટાઈ છું, ભૂલી ગયા?': સ્નેહલબેન પટેલે વોર્ડ મહામંત્રીને સોશિયલ મીડિયા પર ખખડાવ્યા

Updated: Jan 5th, 2026

GS TEAM

Google News
Google News
'હું ભાજપમાંથી જ ચૂંટાઈ છું, ભૂલી ગયા?': સ્નેહલબેન પટેલે વોર્ડ મહામંત્રીને સોશિયલ મીડિયા પર ખખડાવ્યા 1 - image


Vadodara Councilor Snehal Patel's Viral Message : વડોદરા મહા નગરપાલિકાના વોર્ડ નંબર 16માં લાંબા સમયથી ધખધખતી ભારતીય જનતા પાર્ટીની આંતરિક જૂથબંધી હવે સપાટી પર આવી છે. રવિવારે યોજાયેલા એક કાર્યક્રમમાં મહિલા કોર્પોરેટરની બાદબાકી કરવામાં આવતા વિવાદ વકર્યો છે. મહિલા કોર્પોરેટરે સોશિયલ મીડિયાના માધ્યમથી વોર્ડ સંગઠન અને મહા મંત્રી સામે પોતાનો રોષ ઠાલવતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

શું છે સમગ્ર ઘટના?

રવિવારે વોર્ડ નંબર 16માં 'SIR' અંતર્ગત મતદાર યાદીમાં નામ નોંધણી માટેનો એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શહેર ભાજપ મહા મંત્રી જસવંતસિંહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વોર્ડ નંબર 16ના મહા મંત્રી પરેશ પટેલે સોશિયલ મીડિયા પર આ કાર્યક્રમના ફોટોગ્રાફ્સ અને વિગતો શેર કરી હતી.

પોતાના જ વોર્ડના પક્ષના કાર્યક્રમમાં પૂરતી જાણકારી ન મળતા અને બાદબાકી કરાતા વોર્ડ નંબર 16ના મહિલા કોર્પોરેટર સ્નેહલબેન પટેલ લાલઘૂમ થયા હતા. તેમણે જાહેરમાં પરેશ પટેલની ટીકા કરતો મેસેજ મૂકી પક્ષમાં ચાલતા વિખવાદને ખુલ્લો પાડ્યો હતો.

'હું પણ ભાજપની જ ચૂંટાયેલી પ્રતિનિધિ છું'

મહિલા કોર્પોરેટર સ્નેહલબેન પટેલે સોશિયલ મીડિયા પર આકરા શબ્દોમાં લખ્યું કે 'પરેશભાઈ, તમે વોર્ડ નંબર 16 ના મહા મંત્રી છો અને શહેર મહા મંત્રી જસવંતસિંહ વોર્ડમાં આવ્યા હોય તેવા મેસેજ અમને મળતા નથી. આજે મારે જાહેરમાં લખવું પડે છે કે હું પણ ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈને આવેલી છું. આ વોર્ડમાં વર્ષો સુધી કોંગ્રેસના કોર્પોરેટર હતા એટલે કદાચ તમે ભૂલી જતા હશો, પણ હું ભાજપની કોર્પોરેટર છું તે સંગઠનને યાદ રહે એટલે આ લખું છું.' તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અગાઉના દિવસે પૂછવા છતાં તેમને સમય કે સ્થળ અંગે કોઈ ફોન કરવામાં આવ્યો નહોતો.

સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે સંકલનનો અભાવ

વડોદરા ભાજપમાં સંગઠન અને કોર્પોરેટરો વચ્ચેનો વિવાદ આ નવો નથી. નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ વોર્ડ નંબર 15માં પણ મહિલા કોર્પોરેટરોને પક્ષના કાર્યક્રમોની જાણ ન કરાતા મામલો શહેર પ્રમુખ સુધી પહોંચ્યો હતો. ત્યારે હવે વોર્ડ નંબર 16માં પણ 'જૂનું-નવું' અને 'સંગઠન વિરુદ્ધ લોક પ્રતિનિધિ' જેવો ઘાટ સર્જાતા આગામી દિવસોમાં પક્ષ મોવડીમંડળ શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.