વડોદરા APMCના ચેરમેન વાઇસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા, બંને સામે રિકવરીનો કેસ
- છ મહિનાથી વિવાદ વચ્ચે ઘેરાયેલી રહેલી વડોદરા એપીએમસીના ચેરમેન વાઇસ ચેરમેનની આજે બિનહરીફ વરણી થઇ હતી.
વડોદરા, 04 માર્ચ, 2022
વડોદરા એપીએમસીની છ મહિના પહેલાં યોજાયેલી ચૂંટણીમાં 16 માંથી 15 સભ્યો ભાજપના ચૂંટાયા હતા. જ્યારે ભાજપની પેનલના એક ડિરેક્ટર નો પરાજય થયો હતો. પરાજિત ડિરેક્ટરે ભાજપના પ્રદેશ મોવડીઓ તેમજ ખેતી નિયામક સમક્ષ એપીએમસીના કૌભાંડો તેમજ અગાઉના બોર્ડની સામે થયેલી રિકવરીના કેસ બાબતે રજૂઆતો કરતાં છ મહિનાથી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ઘોંચમાં પડી હતી.એપીએમસીના ચેરમેન ની ચૂંટણીના મુદ્દે હાઇકોર્ટમાં રીટ કરવામાં આવી છે. જે રિટ દાખલ થતા ગઈકાલે તેની ચૂંટણી અધિકારીને તેની વિધિવત જાણ પણ કરવામાં આવી છે.આવા માહોલ વચ્ચે આજે એપીએમસી ખાતે ચૂંટણી યોજાતા ચેરમેન તરીકે શૈલેષભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે યોગેશભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા છે. નોંધનીય છે કે જે છ ડિરેકટરો સામે રિકવરી નો કેસ થયો છે તેમાં આ બંને ડિરેક્ટરો નો સમાવેશ થાય છે.