વિમેન્સ પ્રીમિયર લીગ (ડબલ્યુ.પી.એલ.) ૯ જાન્યુઆરીથી શરૂ થશે. આ લીગની તમામ મેચ નવી મુંબઈ અને વડોદરા ખાતે યોજાશે. જ્યારે ફાઇનલ પ ફેબ્રુઆરીએ વડોદરાના બીસીએ સ્ટેડિયમ ખાતે રમાશે.
બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ના સીઈઓ સ્નેહલ પરીખે જણાવ્યું કે, ડબલ્યુ.પી.એલના અધ્યક્ષ જયેશ જ્યોર્જે પ્લેયર ઓક્શન દરમ્યાન શિડ્યૂલની જાહેરાત કરી છે. ભારતીય મહિલા ટીમની વિશ્વ કપ જીત બાદ મહિલા ક્રિકેટને લઈને દેશભરમાં અદ્વિતીય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીસીએ સ્ટેડિયમ ખાતે ઇન્ડિયા - વેસ્ટ ઈન્ડીઝ મહિલા વન ડે સિરીઝની ૩ મેચમાં ૧૨ હજારથી વધુ પ્રેક્ષકો, ડબલ્યુ.પી.એલ. અગાઉની આવૃત્તિની ૬ મેચમાં ૨૨ હજારથી વધુ પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ઇન્ટરનેશનલ માસ્ટર્સલીગની ૬ મેચમાં સચિન તેંડુલકર, બ્રાયન લારા, યુવરાજ સિંહ, શેન વોટસન, ઇયોન મોર્ગન, જેક્સ કાલિસ, કુમાર સંગક્કરા, યુસુફ અને ઈરફાન પઠાણ સહિતના લિજેન્ડ્સે ભાગ લીધો હતો અને ૨૩ હજારથી વધુ પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ૧૧ જાન્યુઆરીએ બીસીએ સ્ટેડિયમ ખાતે મેન્સ આંતરરાષ્ટ્રીય ઇન્ડિયા – ન્યૂઝિલેન્ડ વન-ડે ક્રિકેટ મેચનું આયોજન થશે.
બીસીએના ખેલાડીઓ પર ધનવર્ષા
ડબલ્યુ.પી.એલ. ઓક્શનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાધા યાદવને ૬૫ લાખમાં, ભારતીય ક્રિકેટ ટીમની વિકેટકીપર બેટર યાસ્તિકા ભાટિયાને ગુજરાત જાયન્ટ્સની ટીમે ૫૦ લાખમાં, ઓલ્ડ રાઉન્ડર ગેસ્ટ પ્લેયર શિખા પાંડેને રૂ. ૨.૪૦ કરોડ અને પૂનમ ખેમનારને મુંબઈ ઇન્ડિયન્સે રૂ. ૧૦ લાખમાં પોતાની ટીમ સાથે જોડ્યા છે, જ્યારે બીસીએના ખેલાડીઓ પ્રજ્ઞા રાવત, હની પટેલ, નૃપ વ્યાસ, ડબલ્યુ.પી.એલ. ઓક્શનમાં અનસોલ્ડ રહ્યા છે.


