Gujarat

વડોદરા: શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓનું આંદોલન ઉગ્ર બન્યું

By GS TEAM
24 Jun 20252 mins read
TukuTouch Logo
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની 20 દિવસથી ચાલતી અચોક્કસ મુદતની હડતાલ અને આંદોલન આજે ઉગ્ર બન્યું હતું. આજે શિક્ષણ સમિતિ ખાતે પ્રવેશ ઉત્સવ માટે બેઠક હતી, તેમાં પદાધિકારીઓ અને સભ્યો હાજરી આપવા આવ્યા ત્યારે તમામને અંદર જતા અટકાવ્યા હતા અને પોતાની માંગણી રજૂ કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓનું આંદોલન ઉગ્ર બન્યું

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની 20 દિવસથી ચાલતી અચોક્કસ મુદતની હડતાલ અને આંદોલન આજે ઉગ્ર બન્યું હતું. આજે શિક્ષણ સમિતિ ખાતે પ્રવેશ ઉત્સવ માટે બેઠક હતી, તેમાં પદાધિકારીઓ અને સભ્યો હાજરી આપવા આવ્યા ત્યારે તમામને અંદર જતા અટકાવ્યા હતા અને પોતાની માંગણી રજૂ કરી હતી. શાસનાધિકારીને પણ ઘેરી લઈ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઉપાધ્યક્ષ તથા સભ્યો ચાલતા સમિતિ ખાતે આવ્યા ત્યારે તેઓને  રોકીને પોતાનો પ્રશ્ન હલ કરવા રજૂઆત કરી હતી. આ મુદ્દે જાણવા મળ્યા મુજબ કર્મચારીઓની જે માગણી છે, તેનો નિકાલ લાવવા અગાઉ સાત સભ્યોની જે સમિતિ બની છે, તેની મીટીંગ એક બે દિવસમાં મળવાની છે. આજે કમિશનર સાથે પણ બેઠક કરવામાં આવી છે. હવે પછી સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરી સુખદ નિરાકરણ આવે તેવું જણાવવામાં આવી રહ્યું છે. 


ચોથા વર્ગના કર્મચારી સંઘના પ્રમુખના કહેવા મુજબ 20 દિવસથી અમારી હડતાલ ચાલુ છે. કોઈ અમને મળવા આવ્યું નથી. આજે પ્રવેશોત્સવ સંદર્ભે બેઠક છે, ત્યારે તમામને મળવા અમે અહીં ગેટ પર ઉભા રહ્યા છીએ. સમાધાનની જે કંઈ ફોર્મ્યુલા અને સુખદ નિરાકરણ આવે ત્યારની વાત ત્યારે અમારી હડતાલ ચાલુ રહેવાની છે, જ્યાં સુધી અમારો કાયમીનો પગાર શરૂ નહીં થાય ત્યાં સુધી અમે હડતાલ માંથી ઊઠવાના નથી. ઉલ્લેખનીય છે કે ચોથા વર્ગના 570 કર્મચારીઓની 33 વર્ષથી માગણી પડતર છે. જેઓ પોતાને કાયમી કરવાની માંગ કરી રહ્યા છે. ગઈકાલે કોર્પોરેશનમાં સમગ્ર સભા મળી તે પૂર્વે પણ સૂત્રોચાર કરી દેખાવો કર્યા હતા.