વડોદરા શહેરના નવા બજાર વિસ્તારમાં મ્યુનિ. કમિશનર અરુણ બાબુની અચાનક ફેરણી બાદ હરકતમાં આવેલ દબાણ શાખા એ અનેક દુકાનના ગેરકાયદે ઓટલા તોડી પાડ્યા બાદ આજે પણ વોર્ડ ઓફિસર અને દબાણ શાખાની ટીમે એક્શનમાં રહીને મંગળ બજાર વિસ્તારમાં દુકાનો આગળના લટકણીયા કબજે કરવા સહિત રોડ રસ્તા ફૂટપાથ પર કબજો જમાવનાર લારી ગલ્લાના દબાણો સામે કાર્યવાહી કરીને એક ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. આ ઉપરાંત દરેક દુકાનદારોને લટકણીયા બાબતે સખત મનાઈ ફરમાવી ચીમકી આપવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ કારેલીબાગ પાણીની ટાંકીથી સંગમ ચાર રસ્તા વચ્ચે આડેધડ કરાતા પાર્કિંગ સામે ટીડીઓ, ટ્રાફિક પોલીસ સહિત દબાણની ટીમે દંડનીય કાર્યવાહી કરી અનેક વાહન ચાલકોને મેમો ફટકાર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, નવા બજાર વિસ્તારમાં મ્યુનિ.કમિ.એ ગઈકાલે ઓચિંતી મુલાકાત લીધી હતી. જેમાં અનેક દુકાન આગળ ગેરકાયદે દબાણો અને ઓટલા જણાયા હતા. પરિણામે દબાણ શાખાની ટીમે રોડ રસ્તા પર ગેરકાયદે બનાવેલા ઓટલા રાતોરાત તોડી નાખવામાં આવ્યા હતા.
જ્યારે આજે બીજા દિવસે પણ મંગળ બજાર લહેરીપુરા વિસ્તારમાં દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી. મંગળ બજાર વિસ્તારમાં દુકાનોના આગળના ભાગમાં લટકાવેલા લટકણીયા સહિત દુકાન બહાર માલ સામાન ખડકીને ગેરકાયદે કરાયેલા દબાણ સામે પાલિકા દ્વારા સખત કાર્યવાહી કરવા સહિત આ વિસ્તારમાં ગેરકાયદે ખડકાયેલા લારી ગલ્લા પથારાના દબાણો હટાવીને પાલિકા તંત્રની દબાણ શાખા દ્વારા એક તક જેટલો માલ સામાન કબજે કરાયો હતો. આ ઉપરાંત દુકાનો આગળ લટકણીયા સહિત દુકાન બહાર માલ સામાન રાખવા સામે પણ વોર્ડ ઓફિસર મહેશ રબારી અને દબાણ શાખા ની ટીમે સખત ચેતવણી આપી આગામી દિવસોમાં દંડનીય સહિત કડક કાર્યવાહીની ચીમકી આપવામાં આવી હતી.
જ્યારે બીજી બાજુ દબાણ શાખાની ટીમ અને ટીડીઓ સહિત પોલીસની ટ્રાફિક શાખા દ્વારા કારેલીબાગ પાણીની ટાંકી થી સંગમ ચાર રસ્તા સુધીની સંયુક્ત ડ્રાઇવ આજે સવારથી જ ગોઠવવામાં આવી હતી. આ વિસ્તારના રોડ રસ્તાની બંને બાજુએ આડેધડ પાર્કિંગ કરનારાઓ સામે મેમો આપવાની કાર્યવાહી કરીને અનેક વાહનચાલકોને દંડ ફટકારવામાં પણ આવ્યો હતો.


