વડોદરા કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખની ક્રિકેટ ટીમ ક્રિકેટ મેચ રમવા ભાવનગર પહોંચી છે ત્યારે અંદાજે 40 જેટલા ખેલાડીઓ માટે ક્રિકેટની કીટ ખરીદવાના મુદ્દે ભાજપમાં ભાંજગડ સર્જાઇ હતી. મેયરના હોદ્દાની ગરિમા નહીં જાળવી ડેપ્યુટી મેયરે ક્રિકેટની ટીમને ખુશ કરવા મનસ્વી રીતે ખરીદી કરતા વિવાદ સર્જાયો હતો. આખરે મામલો શહેર પ્રમુખ સુધી પહોચતા એક ખેલાડીને બે જોડી ક્રિકેટ યુનિફોર્મ એક જોડી શૂઝ આપવાનું નક્કી થયું હતું.
વડોદરા કોર્પોરેશનમાં યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે રાત્રિ બીફોર નવરાત્રીના કાર્યક્રમો હોય તે અંગે તાજેતરમાં તેની પાછળ થયેલા ખર્ચ અંગેનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ભાવનગર ક્રિકેટ મેચમાં વડોદરા કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખની 40 જેટલા ખેલાડીઓ અને મેનેજરની બે ટીમ ભાગ લેવા ગઈ છે ત્યારે તમામ ખેલાડીને ક્રિકેટની કીટ આપવા અંગે પદાધિકારીઓમાં વિવાદ સર્જાયો હતો
ક્રિકેટની કીટમાં મેયરના સૂચન પ્રમાણે બે જોડી ક્રિકેટનો યુનિફોર્મ અને એક જોડી શૂઝ આપવાનું નક્કી થયું હતું પરંતુ ક્રિકેટ મેચ રમવા જવામાં અતિ ઉત્સાહી એવા ડેપ્યુટી મેયર દ્વારા તમામ ખેલાડીને ત્રણ જોડી ક્રિકેટનો યુનિફોર્મ અને બે જોડી શૂઝ ઉપરાંત તેને રાખવા માટેની બેગ આપવાનું નક્કી કર્યું હતું જેની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થશે જ્યારે તેઓ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી હતી ત્યારે ચા નાસ્તાનો ખર્ચ પણ થયો હશે તેની રકમ પણ હજારોમાં થશે તેમ માનવામાં આવે છે.
મેયરના સૂચનની ગરીમા સાચવી નહીં અને ઉપરવટ જઈ ડેપ્યુટી મેયરે મનસ્વી રીતે ખરીદી કરવાનું નક્કી કરી ખેલાડીઓને ખુશ કરવા પ્રયત્ન કર્યો હતો. ક્રિકેટ ટીમ પાછળ વધારાનો ખર્ચો કરવાની જરૂર નથી તે મુદ્દે મામલો શહેર પ્રમુખ સુધી પહોંચ્યો હતો અને આખરે મેયરના સૂચન પ્રમાણે ક્રિકેટની કીટ આપવાનું નક્કી થયું હતું.
અગાઉ અનેકવાર મહિલા મેયર હોવા છતાં હોદ્દાની ગરિમા ડેપ્યુટી મેયર સહિત કેટલીક મહિલા કોર્પોરેટરે નહીં સાચવતા મામલો પ્રદેશ કક્ષાએ પણ પહોંચ્યો હતો.
અત્રે યાદ આપવું જરૂરી છે કે ગત વર્ષે પુરુષ અને મહિલાની ક્રિકેટ મેચ રમાડવામાં આવી હતી ત્યારે તેમાં ભાગ લેવા ગયેલી ટીમોને પ્રેક્ટિસ કરવા સમયે ચા નાસ્તો અને જમવાનું તેમજ ક્રિકેટની કીટ પાછળ રૂપિયા 15.28 લાખનો ખર્ચ થયો હતો જેમાં છ દિવસ પ્રેક્ટિસ દરમિયાન ચા નાસ્તાનો ખર્ચની રકમ ટી એન્ડ ફરસાણને રૂ.84, 250 જ્યારે પાંચ દિવસ જમવાના ખર્ચ રૂ. 53,200 અમરનાથ ફૂડ સર્વિસીસને ચૂકવવામાં આવ્યા હતા.
પ્રેક્ટિસ અને ટુર્નામેન્ટ માટે સાધનોની કામગીરી ઉપરાંત વુમન મેયર ક્રિકેટ ટીમ માટે ટ્રેકશૂટ ટીશર્ટ બેટ બોલ તેમજ આનુસંગિક સાધનોની કામગીરી, કમિશનર અને મેયર ઇલેવન ક્રિકેટ ટીમ માટે ની ખરીદી પાછળ બી એસ સ્પોર્ટ્સ સોલ્યુશનને રૂ.12.44 લાખ અને મુકેશ સ્પોટ્સને રૂ.9439 મળી 13.91 લાખની રકમ ચૂકવવામાં આવી હતી. જ્યારે હવે આ વખતની મેચમાં ક્રિકેટની કીટ પાછળના ખર્ચનો વિવાદ સર્જાયો છે.


