વડોદરા, તા. 15
જીપીસીબીની મંજૂરી વગર કેમિકલનું ખોટુ બીલ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ગેરકાયદેસર રીતે કેમિકલનો નિકાલનો પ્રયાસ કરવાના બનાવમાં સંડોવાયેલા અને છેલ્લા ત્રણ મહિનાથી વોન્ટેડ આરોપીની આગોતરા જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજી નામંજૂર કરી હતી.
આરોપી વિરુદ્ધ કંપની માંથી ટેન્કરમાં ગેરકાયદેસર રીતે વેસ્ટ એલ્યુમિનિયમ ક્લોરાઇડ નાશ કરવા માટે ભરી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ની પરવાનગી વગર ખોટું બિલ બનાવી સુરતના અમરોલી વિસ્તારમાં ઢોળવા માટે ટેન્કરના ડ્રાઈવરને તથા ક્લીનર ને મોકલી આપી કેમિકલ પદાર્થ અંગે નિષ્કાળજી દાખવી મનુષ્યની જિંદગી જોખમાઈ તેવું કૃત્ય કરી પર્યાવરણના નિયમોનો ભંગ કર્યો હોવાનો આરોપ છે. આ પ્રકરણમાં પાદરા પોલીસ સ્ટેશનમાં કેમસ્ટર કંપનીના ડિરેક્ટર, અધિકારી, કેમિકલ ભરાવી આપનાર વિપુલ પઢીયાર, ટેન્કર માલિક જયેશ ગેલાભાઇ જોગરાણા, ડ્રાઇવર સંજય વેગડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં ઝડપાયેલા ટેન્કર ચાલકે અરજદાર આરોપી જયેશ જોગરાણા ( રહે - રીલાયન્સનગર , સાયણ રોડ ,સુરત) નું નામ ટેન્કર માલિક તરીકે દર્શાવ્યું હતું. તપાસ દરમિયાન ટેન્કર માલિક અન્ય હોવાની વિગતો સપાટી પર આવી હતી. અદાલતે નોધ્યું હતું કે,હાલમાં ગુનાની તપાસ ચાલુ છે ગુનામાં સંડોવાયેલ આરોપી તપાસ અધિકારીને તપાસમાં સહકાર આપતા નથી. હાલ આ તમામ બાબતો પુરાવાનો વિષય છે અને સમગ્ર પુરાવો નોંધાયા બાદ જ તે અંગે કોઈ ચોક્કસ તારણ પર આવી શકાય તેમ છે. આગોતરા જામીન અરજીના તબક્કે કોઇ પણ પ્રકારની ચર્ચા કરવાથી કોઇપણ પક્ષકારને પ્રેજ્યુંડાઈસ થવાની શક્યતા છે.


