કન્સ્ટ્રક્શન સાઈટ પર સૂતી બાળકી પર કારનું ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત, વડોદરામાં કરુણ દુર્ઘટના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Accident: વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક કન્સ્ટ્રક્શન સાઇટ પર બિલ્ડરની કારના ટાયર નીચે કચડાઈ જવાથી શ્રમિક પરિવારની માત્ર પાંચ મહિનાની માસૂમ બાળકીનું કરુણ મોત નીપજ્યું છે. માતા-પિતાની નજર સામે જ આ કાળજું કંપાવી દેનારી ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અને શ્રમિકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, શનિવારે (20 ડિસેમ્બર) વડોદરાના ભાયલી વિસ્તારમાં સોપાન-55 નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર બની હતી. અહીં શ્રમિક દંપતીએ તેમના પાંચ મહિનાની દીકરીને સાઇટના મુખ્ય ગેટ નજીક ગોદડી પાથરીને સૂવડાવી હતી અને બાદમાં તેઓ કામમાં વ્યસ્ત થઈ ગયા હતા. આ દરમિયાન સાઇટ પર આવેલા બિલ્ડર જીતુ પટેલની કાર ત્યાંથી પસાર થઈ અને બાળકીને ગાડીના ટાયર નીચે કચડી દીધી. કારના ટાયર નીચે આવી જવાથી બાળકી લોહીલુહાણ થઈ ગઈ હતી.
હોસ્પિટલ પહોંચતા પહેલાં જ બાળકી મોતને ભેટી
પોતાની નજર સામે જ વ્હાલસોયી દીકરીને કાર નીચે કચડાતી જોઈ માતા-પિતા હેબતાઈ ગયા હતા. પિતા લોહીલુહાણ હાલતમાં બાળકીને ઉંચકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ દોડી ગયા હતા. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ બાળકીનું મોતને ભેટી હતી. હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના ડૉક્ટરે બાળકીને મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
પોલીસે હાથ ધરી તપાસ
ત્યારબાદ બાળકીના પિતાએ બિલ્ડર સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે બિલ્ડર જીતુ પટેલ સામે ગનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









