વડોદરા: મોકસી ગામે પ્રેમી પંખીડાએ વિષપાન કરી વાહલું કર્યું મોત
વડોદરા, તા. 26
વડોદરા તાલુકાના મોકસી ગામે સ્કૂલ નજીક પ્રેમી પંખીડાએ ઝેરી દવા પી લેતા બંનેના મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે.
વડોદરા તાલુકાના મોકસી ગામે અક્ષરપુરીમાં રહેતી ૨૧ વર્ષીય પારૂલ ગણપત રાઠોડના લગ્ન ચોથા મહિનામાં નક્કી કરવામાં આવ્યા હતા. તપાસ અધિકારીના કહેવા મુજબ પારૂલને પંચમહાલ જિલ્લાના નારણપુરા ગામના જોરાવર રાવજી રાઠોડ નામના ખેતીકામનો વ્યવસાય કરતા યુવક સાથે મન મળી ગયું હતું. જોરાવરના બનેવી મોકસી ગામે રહેતા હોય જોરાવર અવારનવાર મોકસી ગામે આવતો હતો. ત્યારે બન્ને પ્રેમી- પંખીડા મોકસી ગામની સ્કૂલ નજીક ખાંચામાં મળતા. સાથ જીયેંગે સાથ મરેંગે ના એકમેકને કોલ આપતા હતા. ગત રોજ બંને મળ્યા હતા. ત્યારે સાથે જીવી શકાય તેવું લાગ્યું ન હોવાથી બંનેએ ઝેરી દવા પીધી હતી. તેને કારણે જોરાવરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પારૂલને તેના પરિવારજનો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં તેનું પણ મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.
આ બનાવની જાણ થતાં નારણપુરા અને મોકસી ગામમાં ગમગીનીનો માહોલ છવાયો છે. ભાદરવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.