વડોદરામાં વિધર્મી યુવકે નામ બદલીને પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી
Vadodara : પોતાનું અસલ નામ છૂપાવીને 34 વર્ષની પરિણીતાને પ્રેમ સંબંધમાં ફસાવી વારંવાર શરીર સંબંધ બાંધનાર વિધર્મી સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી ઝડપી પાડયો છે.
કેટરિંગનું કામ કરતી 34 વર્ષની પરિણીતાને પતિ સાથે અણબનાવ થતા તેના દીકરાને લઇને એકલી રહે છે. અઢી વર્ષ પહેલા વાઘોડિયા કેટરિંગના કામ માટે ગઇ હતી. તે દરમિયાન પ્રતિક પટેલનો સંપર્ક થયો હતો. તેણે કહ્યું હતું કે, કેટરિંગ અને ઇવેન્ટનું કામ હશે તો બોલાવીશ. ત્યારબાદ અવાર-નવાર તેઓ વચ્ચે વાતચીત થતી હતી અને પ્રેમ સંબંધ થયો હતો. ફેબુ્રઆરી-2023માં પ્રતિક પટેલે પરિણીતાના ઘરે જઇ લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ પ્રતિક પટેલ પરિણીતાને લક્ઝરી બસમાં અજમેર લઇ ગયો હતો. દરગાહ પર દર્શન કરીને તેઓ હોટલમાં રોકાયા હતા. ત્યાં પણ પ્રતિકે પરિણીતા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. તે દરમિયાન પ્રતિક પટેલનું ચૂંટણી કાર્ડ મળતા પરિણીતાએ ફોટો પાડી લીધો હતો. પરિણીતાએ પ્રતિકને તેનું સાચું નામ પૂછતા તેણે પોતાનું નામ ઇકબાલ રસુલભાઇ પરમાર (રહે.ગામ ખેરડા,તા. કરજણ) હોવાનું કબૂલ કર્યુ હતું.
દરમિયાન પરિણીતાને ગર્ભ રહી જતા ઇકબાલ તેને રાવપુરા વિસ્તારની હોસ્પિટલમાં લઇ ગયો હતો. તેણે પોતાનું નામ પરિણીતાના પતિ તરીકે લખાવી સારવાર કરાવી હતી. ત્યારબાદ પ્રતિકનું સાચું નામ ઇકબાલ હોઇ પરિણીતાએ તેની સાથે સંબંધ રાખવાની ના પાડતા તેણે એવી ધમકી આપી હતી કે, તું તારા માથાના વાળ કપાવી નાંખ. નહીંતર હું તારા પુત્રને મારી નાંખીશ. ગભરાઇ ગયેલી પરિણીતાએ માથાના વાળ કપાવી નાંખ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે કોઇ સંપર્ક નહતો. પરંતુ, ગત 9મી તારીખે ઇકબાલે પરિણીતાને કોલ કરીને સંબંધ રાખવાનું કહેતા તેણે ના પાડી હતી. ઉશ્કેરાયેલા ઇકબાલે પરિણીતાને ગાળો બોલી ધમકી આપી કે, તું મારી નહીં તો કોઇ બીજાની થવા દઉં નહીં.તું જ્યાં મળીશ ત્યાં તને જાનથી મારી નાખીશ.