અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને બચાવી તેના કિંમતી દાગીના પરત કરતી વડોદરા 108ની ટીમ
Vadodara : વડોદરા દુમાડ ચોકડી નજીક હોટેલ તુલીપ પાસે રવિવારની સાંજે અકસ્માતની ઘટના બની હતી. જેમાં 108ની ટીમે ઘાયલ બાઇકસવારને જીવ બચાવવાનું કાર્ય જ નહીં પણ, તેમનો કિંમતી માલસામાન પરત કરી પ્રમાણિક્તાનું પ્રેરક ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું.
જેમાં એક બાઈકસવાર યુવક લોડિંગ ટ્રક પાછળ ટકરાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી ગઇ હતી. સમા લોકેશન પરથી ફરજ પર હાજર 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઈએમટી ગંગાબેન બારિયા અને પાઇલોટ ઇસ્માઈલભાઈ દુધવાલા દ્વારા તરતજ ઘાયલને પ્રાથમિક સારવાર અપાઈ અને તેમની ગંભીર અવસ્થાને જોતા તેમને તરત એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતી. દર્દીની પાસે અંદાજે રૂ.2.75 લાખની કિંમતના દાગીના હતા. જેમાં હાર, પેન્ડલ, કાનની બુટ્ટીઓ ઉપરાંત એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. 108ની ટીમે આ તમામ કિંમતી માલમત્તાને સંપૂર્ણ સુરક્ષિત રીતે સંભાળીને તેમના નાના ભાઈ રાકેશભાઈનો સંપર્ક કર્યો અને તેમને એસએસજી હોસ્પિટલ ખાતે બોલાવ્યા હતા. પોલીસની હાજરીમાં દર્દીની માલમત્તાની સોંપણી તેમના પરિવારજનોને કરવામાં આવી હતી.