અમરેલીના ઢૂંઢિયા પીપળીયા ગામની શાળાને તાળાબંધી કરી વાલીઓ બાળકોને લઈ ગયા, સ્કૂલ ખંડેર બની હોવાનો આક્ષેપ
Amareli School News: અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામની પ્રાથમિક શાળાની જર્જરિત હાલતથી પરેશાન વાલીઓએ આજે શાળાને તાળાબંધી કરી હતી. વાલીઓનો આરોપ છે કે, શાળાના ઓરડાઓ ખૂબ જ જૂના અને જર્જરિત હાલતમાં છે, અને ચાલુ વરસાદમાં છાપરાઓમાંથી પાણી ટપકે છે. આ પરિસ્થિતિમાં બાળકોને ભણવા મોકલવા જોખમી હોવાથી વાલીઓએ પોતાના બાળકોને ઘરે પરત લઈ જઈને શાળાને તાળું માર્યું હતું.
અમરેલી જિલ્લાની ઢૂંઢિયા પીપળીયા ગામની પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડાઓ અને શૈક્ષણિક સ્તર નીચું હોવાને કારણે વાલીઓએ રોષ વ્યક્ત કર્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા આજે વાલીઓએ શાળાને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો.
વાલીઓએ જણાવ્યું કે, થોડા સમય પહેલા રાજસ્થાનના એક ગામની શાળામાં આવી જ પરિસ્થિતિના કારણે દુર્ઘટના બની હતી. આવી કોઈ ઘટના તેમના ગામમાં ન બને તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે. જર્જરિત ઓરડાઓમાં શાળાનો કિંમતી સામાન પણ વરસાદમાં પલળી રહ્યો છે અને ધૂળધાણી થઈ રહ્યો છે.
વાલીઓનો રોષ માત્ર જર્જરિત શાળા પૂરતો સીમિત નથી, પરંતુ તેઓનો એવો પણ આરોપ છે કે, બાળકોને અભ્યાસમાં કોઈ આવડત મળતી નથી. વાલીઓએ તંત્રને ચેતવણી આપી છે કે, જો આગામી દિવસોમાં આ સમસ્યાનું કોઈ નક્કર નિવારણ નહીં આવે તો તેઓ ધરણા સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો કરશે. આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે, ગામના લોકો પોતાના બાળકોના ભવિષ્ય અને સલામતી માટે ચિંતિત છે. હવે જોવાનું એ રહેશે કે, તંત્ર આ બાબતે કેવા પગલાં ભરે છે.