વડોદરા, તા.4 વડોદરા નજીક વડદલા ગામની વિધવાના નામની આશરે રૃા.૧૦ કરોડ કિંમતની જમીન કપુરાઇના ભેજાબાજે બોગસ દસ્તાવેજો ઊભા કરી બારોબાર વેચાણ દસ્તાવેજ કરીને પચાવી પાડી હતી.
વાઘોડિયા તાલુકાના તવરા ગામે ઉંડા ફળિયામાં રહેતી મૂળ વડદલા ગામની ભીખીબેન જશભાઇ બારિયાએ વરણામા પોલીસ સ્ટેશનમાં રાજેન્દ્ર કનુભાઇ રબારી (રહે.વાણિયાશેરી, કપુરાઇ), પ્રવિણ કરમશીભાઇ રબારી (રહે.ચોતરાવાળું ફળિયું, કપુરાઇ) અને સાજીદ અનવરભાઇ રાણા (રહે.ડોડીયાવગો, ટુંડાવ, તા.સાવલી) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારા પતિ, સાસુ અને મારા પુત્રનું અવસાન થયું છે. વડદલા ગામે અમારી વડિલોપાર્જિત આશરે ૯ વીધા જમીન હતી.
૧૦ વર્ષ પહેલાં અમારી નવી શરતની આ જમીન કપુરાઇના રાજેન્દ્ર રબારીને વેચવાનું નક્કી કરી તેની સાથે નોટરાઇઝડ બાનાખત કર્યુ હતું અને જમીનને જૂની શરતમાં ફેરવવા માટે તે સમયે હતાય મારા સાસુ,પુત્ર અને મેં પાવર ઓફ એટર્ની આપ્યું હતું. તે સમયે રાજેન્દ્રએ અમને રૃા.૧૧.૩૫ લાખ આપ્યા હતાં. અમોને રૃપિયાની જરૃર હોવાથી રાજેન્દ્ર રબારીને વેચાણ દસ્તાવેજ કરવા વારંવાર જણાવવા છતાં તેઓ કરતા ન હતાં. દરમિયાન મારા સાસુ અને દીકરો બંને મૃત્યુ પામ્યા હતાં. વર્ષો થવા છતાં રાજેન્દ્રએ જમીનને જૂની શરતમાં ફેરવવા કોઇ કાર્યવાહી કરી ન હતી.
બાદમાં વાઘોડિયારોડ પર રહેતા કૃણાલ ભરત રાણે જમીન સારી કિંમતે ખરીદવા તૈયાર થતા તેમને જમીન વેચાણ આપવાનું નક્કી કર્યુ હતું. બાદમાં તેમને જમીન જૂની શરતમાં ફેરવી તેનું પ્રિમિયમ રૃા.૪૩.૨૧ લાખ ચૂકવ્યું હતું. થોડા દિવસો બાદ હું ધાર્મિકયાત્રાએ જઇને પરત ફરી ત્યારે જાણ થઇ કે રાજેન્દ્ર રબારીએ સબ રજિસ્ટ્રાર કચેરીમાં પોતાની તરફેણમાં રૃા.૧.૪૫ કરોડનો વેચાણ દસ્તાવેજ કરી લીધો છે. આ અંગે સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજની નકલ કઢાવતા વર્ષ-૨૦૧૧માં મારા સાસુ અને પુત્રએ જે કુલમુખત્યારનામું કરી આપ્યું હતું તેઓ હાલ હયાત ના હોવા છતા તેના આધારે તેમજ હું ધાર્મિકયાત્રાએ હતી ત્યારે મારા નામનું ડેક્લેરેશન સોગંદનામું વેચાણ દસ્તાવેજ માટે રજૂ કર્યું હતું. આ સોગંદનામામાં મારો બોગસ અંગુઠો માર્યો હતો. વેચાણ દસ્તાવેજમાં સાક્ષી તરીકે પ્રવિણ રબારી અને સાજીદ રાણાનો ઉલ્લેખ હતો.


