Get The App

વાર્ષિક 12 ટકા વળતરની લાલચ આપી વડાલિયા પરિવારના 11 કરોડ ઓળવી લીધા

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
વાર્ષિક 12 ટકા વળતરની લાલચ આપી વડાલિયા પરિવારના 11 કરોડ ઓળવી લીધા 1 - image

ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાતાં બંને આરોપીઓની ધરપકડ : કપચીના ધંધામાં રોકાણ માટે પૈસા લઇ બંને આરોપીઓએ શરૂઆતમાં વળતર આપી પોત પ્રકાશ્યું

રાજકોટ, : રાજકોટમાં વડાલિયા ફૂડ્સ નામે નમકિનની કંપની ધરાવતા પરિવાર સાથે રોકાણ પર વાર્ષિક 12 ટકા જેટલું વળતર આપવાની લાલચ આપી રૂ. 10.98 કરોડની છેતરપિંડી અંગે બે આરોપી વિજય હરિભાઈ માકડિયા અને અમિત રમેશભાઈ ભાણવડિયા (રહે. બંને ફોર્ચ્યુન એક્ઝોટીક એપાર્ટમેન્ટ, મોટામવા) વિરૂધ્ધ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે જીપીઆઈડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

મોટામવામાં ગોલ્ડન આર્ક બિલ્ડિંગમાં રહેતા દર્શનભાઈ રસિકભાઈ વડાલિયા (ઉ.વ. 42) ગોંડલ રોડ પર ગાંધી ચેમ્બર્સમાં વડાલિયા ફૂડ નામે નમકિનના મેન્યુફેકચરિંગનું કામ કરે છે. તેણે પોલીસને જણાવ્યું કે વિજય માકડિયા તેના સંબંધી છે. જેનો પાર્ટનર અમિત ભાણવડિયા છે. 2019ની સાલમાં તે બંનેની પંચાયતનગર ચોકમાં આવેલી જૂની ઓફિસે ગયો હતો. તે વખતે તેને બંનેએ કહ્યું કે તેમની દર્શન મિનરલ, જય સ્ટોન ક્રશર અને દર્શિલ સ્ટોન ક્રશર નામની પેઢી છે. જેમાં કપચીનો ધંધો કરે છે. 

આ રીતે તેને પોતાની પેઢીમાં રોકાણ સામે વાર્ષિક 12 ટકા વળતર આપવાની વાત કરી હતી. જેથી તેણે પોતાના અને સગા-સંબંધીઓમાં માતા જોશનાબેન, દાદા ગોકળભાઈ, કાકા નવનીતભાઈ, કાકી નીતાબેન, બીજા કાકી સાધનાબેન જીવનભાઈ વડાલિયા, કૌટુંબીક દાદા વલ્લભભાઇ, કૌટુંબીક ભાઈ અંકિત, કૌટુંબીક કાકા કેતનભાઈ લક્ષ્મીદાસ વડાલિયા, કૌટુંબીક કાકી ગીતાબેન દીપકભાઈ વડાલિયાને વાત કરતાં તમામ રોકાણ કરવા તૈયાર થઇ ગયા હતાં.

પરિણામે પોતાના અને પરિવારના આ તમામ સભ્યોના નામે 2019ની સાલથી લઇ 2024 સુધી કટકે-કટકે રૂ. 6.90 કરોડનું રોકાણ કર્યું હતું. જેના બદલામાં તેમને વળતર પેટે રૂ. 1.08 કરોડ આપ્યા હતા. આ વળતર આપતા વિશ્વાસ બેઠો હતો અને વધુને વધુ રોકાણ કરતા ગયા હતા. ત્યાર પછી રોકાણ કરેલી રકમ પરત માંગતા બંનેએ તે આપવાની ના પાડી દીધી હતી. એટલું જ નહીં થાય તે કરી લેવાની ધમકી પણ આપી હતી. છેલ્લા ઘણા સમયથી તેના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. ઘરે જતાં હાજર મળતા ન હતાં. છેલ્લા એક વર્ષથી બંને મળ્યા નથી. 

બંનેએ તેણે અને તેના પરિવારે રોકેલા રૂ. 6.9 કરોડમાંથી રૂ. 1.08 કરોડનું વળતર આપી બાકીની રકમ અને વળતર મળી કુલ રૂ. 10.98 કરોડ ઓળવી જતાં આખરે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાંચે બંનેની ધરપકડ કરી તપાસ જારી રાખી છે.