Surat Uttarayan Tragedy: સુરત શહેરમાં ઉત્તરાયણના પર્વ પર બે આશાસ્પદ યુવાનોના મોતની ઘટના સામે આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. શહેરના ભેસ્તાન વિસ્તારમાં પતંગ ચગાવતા સમયે ધાબા પરથી પટકાતા 14 વર્ષીય કિશોરીએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અલથાણ વિસ્તારમાં પતંગની ઘાતક દોરીએ 23 વર્ષીય યુવકનો ભોગ લીધો છે.
ભેસ્તાનમાં 14 વર્ષીય 'મંટુ'નું ધાબા પરથી પટકાતા મોત
ભેસ્તાન વિસ્તારમાં આવેલી જય રાધે સોસાયટીમાં બુધવારે (14મી જાન્યુઆરી) સાંજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. 14 વર્ષની કિશોરી (મંટુ) પોતાના ઘરના ધાબા પર પતંગ ચગાવી રહી હતી. પતંગના પેચ લડાવવાના આનંદમાં કિશોરીનું ધ્યાન ન રહેતા તે અચાનક ધાબા પરથી નીચે પટકાઈ હતી.
નીચે પટકાતા જ સોસાયટીના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કિશોરીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે, સારવાર શરૂ થાય તે પહેલા જ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ભેસ્તાન પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
અલથાણમાં પતંગની દોરીએ યુવકનો જીવ લીધો
બીજી તરફ, સુરતના અલથાણ વિસ્તારમાં પતંગની દોરી જીવલેણ સાબિત થઈ છે. 23 વર્ષીય પ્રિન્સ બાથમ નામનો યુવક સાંજના સમયે પોતાની મોપેડ પર બહાર નીકળ્યો હતો. રસ્તા પરથી પસાર થતી વખતે અચાનક પતંગની ધારદાર દોરી તેના ગળામાં આવી ગઈ હતી. દોરી વાગતા જ પ્રિન્સ લોહીલુહાણ હાલતમાં નીચે પટકાયો હતો. તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
પરિવારોમાં શોકનું મોજું
ઉત્તરાયણના તહેવારમાં આ બંને યુવાનોના અકાળે મોતથી તેમના પરિવારોમાં ભારે શોક વ્યાપી ગયો છે. જે ઘરોમાં તહેવારની તૈયારીઓ હતી ત્યાં આજે આક્રંદ સાંભળવા મળી રહ્યું છે. પતંગ ચગાવતી વખતે ધાબાની પાળી પાસે ન જવા અને ટુ-વ્હીલર ચલાવતી વખતે ગળામાં પટ્ટો કે હેલ્મેટ પહેરવા વહીવટી તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે. તમારી એક નાની ભૂલ તહેવારને માતમના માહોલમાં બદલી શકે છે.


