Get The App

ગાંધીનગર: માણસામાં એરંડાની આડમાં ચાઈનીઝ દોરીનો કારોબાર ઝડપાયો, 960 રીલ જપ્ત પણ આરોપી ફરાર

Updated: Dec 29th, 2025

GS TEAM

Google News
Google News
ગાંધીનગર: માણસામાં એરંડાની આડમાં ચાઈનીઝ દોરીનો કારોબાર ઝડપાયો, 960 રીલ જપ્ત પણ આરોપી ફરાર 1 - image


Uttarayan 2026: ઉત્તરાયણ નજીક આવતા જ ગુજરાતમાં ચાઈનીઝ દોરીનો વેપલો વધ્યો છે. હાઈકોર્ટેના કડક વલણ બાદ પોલીસની ટીમો રાજ્યભરમાં ચાઈનીઝ દોરી વેચતા લેભાગુ તત્વોને ઝડપી લેવા દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આજે ગાંધીનગરના માણસાના બિલોદરામાંથી ચાઈનીઝ દોરીની 960 રીલ જપ્ત કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમત 2.88 લાખ આંકવામાં આવી છે. વેપારી ખેતરમાં વાવેલા એરંડાની આડમાં ચાઈનીઝ દોરીને સંતાડી તેનું વેચાણ કરતો હતો. 

ખેતરમાં વાવેલા એરંડાની વચ્ચે ચાઈનીઝ દોરીના કાર્ટૂન છુપાવેલા હતા

માણસા પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે બિલોદરા ગામનો દલપુજી ઠાકોર નામનો ઈસમ મહેસાણા-હિંમતનગર હાઈવે પર આવેલા ચડાસણા તરફ જતા રોડ પાસે આવેલા સર્વે નંબર 361 વાળા ખેતરમાં ચાઈનીઝ દોરીનું બેફામ વેચાણ કરે છે. જે બાદ પોલીસ ટીમ ખેતરમાં દોડી ગઈ હતી જ્યાં ચેકિંગ દરમિયાન એરંડાની વચ્ચે પ્લાસ્ટિકના 20 જેટલા કાર્ટૂન છુપાવેલા હતા, જેમાં 960 જેટલી ચાઈનીઝ દોરીની રિલ હતી. પકડાયેલા જથ્થાની કુલ કિંમત 2.88 લાખ છે. જેને પોલીસે જપ્ત કર્યો છે.

ગાંધીનગર: માણસામાં એરંડાની આડમાં ચાઈનીઝ દોરીનો કારોબાર ઝડપાયો, 960 રીલ જપ્ત પણ આરોપી ફરાર 2 - image

જથ્થો પકડાયો, આરોપી ફરાર

બીજી તરફ પોલીસ ચોક્કસ બાતમીને આધારે ત્રાટકી હોવા છતાં પણ આરોપી ભાગી છૂટવામાં સફળ રહેતા પોલીસની કાર્યવાહી સામે પણ સવાલ ઉઠયા છે. હાલ તો પોલીસ નાયલોન કે સેન્થેટીક મટીરીયલથી બનેલી દોરીના ઉત્પાદન અને વેચાણ પર કડક પ્રતિબંધ રહે તે માટે એક્શન લઈ રહી છે. આરોપી દલપુજી ઠાકોર સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 અને 292 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચાઈનીઝ દોરી-તુક્કલ મામલે ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ

મહત્વનું છે કે ગત 26 ડિસેમ્બરના રોજ ઉત્તરાયણ 2026 પહેલા ગુજરાત હાઇકોર્ટે નાયલોન અને ચાઇનીઝ માંઝામાંથી બનેલા પ્રતિબંધિત પતંગ ઉડાવવાના દોરા પર પ્રતિબંધ લાગુ કરવાના રાજ્યના પ્રયાસોની સમીક્ષા કરી હતી. જેમાં હાઈકોર્ટ દ્વારા ચાઈનીઝ દોરી અને પ્રતિબંધિત તુક્કલ જેવી જીવલેણ વસ્તુઓનું વેચાણ, સંગ્રહ કે વપરાશ કરનાર સામે કડકમાં કડક પગલાં લેવાનો આદેશ અપાયો છે. કોર્ટે તમામ જિલ્લા પોલીસ વડાઓને નિર્દેશ કર્યો હતો કે પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અંગેનો ડે-ટુ-ડે (રોજિંદો) રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.

આ પણ વાંચો: વડોદરા: 31મી પહેલાં જ કન્ટેઇનર ભરીને લાખોનો વિદેશી દારૂ ઝડપાયો, બેની ધરપકડ, મુખ્ય બુટલેગર ફરાર

73 આરોપીઓની ધરપકડ

કોર્ટમાં રજૂ કરાયેલા સોગંદનામા મુજબ, 21 નવેમ્બરથી 10 ડિસેમ્બર, 2025 દરમિયાન, પોલીસે આ પ્રતિબંધિત વસ્તુઓના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અથવા ઉપયોગ સંબંધિત 59 ગુના નોંધ્યા હતા. અધિકારીઓએ 12,066થી વધુ પ્રતિબંધિત દોરા અને સંબંધિત સામગ્રી - જેમ કે રીલ, સ્પૂલ, બોબિન્સ અને ટેલર, કટ દોરા જપ્ત કર્યા છે જેની કિંમત આશરે રૂ. 36.80 લાખ છે. વધુમાં, રાજ્યભરમાં 73 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.