Gujarat

ઉત્તરાયણ પહેલા વેપારીઓ પર પોલીસ ત્રાટકી ચાઇનીઝ અને કાચથી માંજેલી દોરીના વેચાણમાં ૪૪ વેપારીઓની ધરપકડ

By GS TEAM
6 Jan 20262 mins read
ઉત્તરાયણ પહેલા વેપારીઓ પર પોલીસ ત્રાટકી  ચાઇનીઝ અને કાચથી માંજેલી દોરીના વેચાણમાં ૪૪ વેપારીઓની ધરપકડ

વડોદરા, તા.6 ઉત્તરાયણ પર્વ પહેલા શહેર પોલીસ પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ, સંગ્રહ તેમજ ઉત્પાદન કરનારા વેપારીઓ પર તૂટી પડી છે. પોલીસે ત્રણ દિવસમાં જ ૪૪ વેપારીઓની ધરપકડ કરી મોટી રકમનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સમા કેનાલ પાસે પ્રિત પાર્ટી પ્લોટ નજીક બિપીનચન્દ્ર પ્રફુલચન્દ્ર જાની (રહે.પારુલપાર્ક સોસાયટી, છાણીજકાતનાકા) ચાઇનીઝ દોરીની રીલો રાખીને વેચાણ કરે છે તેવી માહિતીના આધારે શહેર ક્રાઇમ બ્રાંચે તપાસ કરતા વેપારી પાસેથી રૃા.૧૬૫૦૦ની કિંમતની ચાઇનીઝ દોરાની ૩૩ રીલો મળી હતી. પોલીસે જથ્થો કબજે કરી વેપારીની ધરપકડ કરી હતી.

આ ઉપરાંત વાઘોડિયારોડ પરિવાર ચાર રસ્તા પાસે દોરા માંજવાની દુકાને કુણાલ દીપેશભાઇ મહેતા (રહે.મૈત્રી ફ્લેટ, પરિવાર ચાર રસ્તા પાસે, વાઘોડિયારોડ) દોરા માંજવા માટે કાચનો જથ્થો ઉપયોગમાં લે છે તેવી માહિતીના આધારે ડીસીબીએ તેને ઝડપી પાડી ૧૩ કિલો કાચનો પાવડર તેમજ કાચમાંથી માંજેલ દોરાની ૩ ફિરકી કબજે કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ માંજા, ગ્લાસ કોટેડ થ્રેડ, સિન્થેટિક કોટિંગ સાથેની પ્લાસ્ટિકની દોરી, નાયલોન થ્રેડ દોરીના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ હોવાથી તેની સામેની ઝૂંબેશના ભાગરૃપે શહેર પોલીસે કુલ ૪૩ ગુના દાખલ કર્યા છે. જેમાં નકલી દોરીના વેચાણના ૪ કેસો સાથે કુલ રૃા.૮.૧૨ લાખનો પ્રતિબંધિત સાધનો સાથેનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કુલ જથ્થામાં ચાઇનીઝ દોરીની ૬૦ રીલો, કાચ લગાવેલી દોરી ભરેલી ૧૦૪૪ ફિરકી, ૧૨૭ કિલો કાચના પાવડરનો સમાવેશ થાય છે.