Ahmedabad Liquor Viral Video: ઉત્તરાયણ ખુશી અને આનંદનો તહેવાર છે પણ હાલ અમુક યુવાનો ઘરેથી મળતા છૂટ્ટાદોરનો ગેરલાભ ઉઠાવી છાકટા બને છે, નડિયાદમાં દારૂની બોટલ સાથે ધાબામાં ડાન્સ કરતાં યુવકના વીડિયો બાદ હવે અમદાવાદનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં ચાર થી પાંચ જેટલા યુવાનો હાથમાં દારૂની બોટલ સાથે ખુલ્લેઆમ ધાબા પર કાયદાના લીરેલીરા ઉડાવી રહ્યા છે.
વેજલપુરનો વીડિયો વાઈરલ
અરે અહીંથી ન અટકતા જાતે જ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. જેમાં ચાર થી પાંચ યુવકો દારૂની બોટલ સાથે નાચી રહ્યા હતા. પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થતાં તાત્કાલિક ટીમો સક્રિય કરી હતી. જેમાં વીડિયો વેજલપુરનો હોવાનું સામે આવ્યું હતું.
4 સામે ગુનો નોંધી કાર્યવાહી
વધુ તપાસ કરતાં આનંદનગર પોલીસ સ્ટેશનની હદનો હોવાનું ખૂલ્યું હતું જે પછી વીડિયો આધારે ચહેરાઓની ઓળખ કરી આનંદનગર પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી હતી. જેમાં રવિ ઠાકોર, ગોવિંદ ઠાકોર, નિલેશ ઠાકોર, વિજય ઠાકોર, અજય ઠાકોર સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વીડિયો 15 જાન્યુઆરીએ ઉતારી વાઈરલ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
ધાબા પર હાથમાં દારૂની બોટલ લઈને ડાન્સ
બીજી તરફ નડિયાદમાં પણ આવો જ બનાવ બન્યો હતો. ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ચગાવવામાં વ્યસ્ત હતા. ત્યારે નડિયાદ શહેરના કપડવંજ રોડ પર આવેલા જલારામ નગર વિસ્તારમાં એક મકાનના ધાબા પર એક યુવક હાથમાં વિદેશી દારૂ જેવી દેખાતી બોટલ લઈને ફિલ્મી ગીતોના તાલે ઝૂમી રહ્યો હતો. આસપાસ મહિલાઓ અને બાળકોની હાજરી હોવા છતાં આ શખ્સ જાહેરમાં શાનભાન ભૂલીને બોટલનું પ્રદર્શન કરી રહ્યો હતો. કોઈ નાગરિકે આ દ્રશ્ય પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધું હતું અને સોશિયલ મીડિયા પર વહેતું કર્યું હતું. વીડિયો વાઈરલ થતાં જ સ્થાનિક રહીશોમાં રોષની લાગણી ફેલાઈ હતી.
ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલો કેવી રીતે યોજાઈ શકે તેવા સવાલો ઉભા થયા હતા. આ બાબત નડિયાદ રૂરલ પોલીસના ધ્યાને આવતા ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, વીડિયોમાં દેખાતો યુવક મંજીપુરા વિસ્તારના આદિત્યનગર ફાટક પાસે રહેતો હર્ષ સોલંકી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હર્ષ સોલંકીની અટકાયત કરી હતી. પોલીસ સ્ટેશન લાવીને તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી અને જાહેરમાં ગેરવર્તણૂક કરવા બદલ તેની પાસે માફી મંગાવવામાં આવી હતી.


