Get The App

મોઢેરા સૂર્યમંદિરના આંગણે કલાનો મહાકુંભ: આજથી બે દિવસીય 'ઉત્તરાર્ધ મહોત્સવ-2026'નો પ્રારંભ, શાસ્ત્રીય નૃત્યોથી ગુંજી ઉઠશે પરિસર

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
મોઢેરા સૂર્યમંદિરના આંગણે કલાનો મહાકુંભ: આજથી બે દિવસીય 'ઉત્તરાર્ધ મહોત્સવ-2026'નો પ્રારંભ, શાસ્ત્રીય નૃત્યોથી ગુંજી ઉઠશે પરિસર 1 - image


Uttarardh Mahotsav 2026: વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં શનિવારથી કલા અને સંસ્કૃતિનો અદભૂત સંગમ જોવા મળશે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે 17મી અને 18મી જાન્યુઆરી દરમિયાન બે દિવસીય 'ઉત્તરાર્ધ મહોત્સવ-2026'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો પ્રારંભ સાંજે 6:30 વાગ્યાથી થાય છે અને મોડી રાત સુધી ચાલે છે.

શાસ્ત્રીય નૃત્યોની જામશે મહેફિલ

સૂર્યમંદિરના અદભૂત સ્થાપત્યની પૃષ્ઠભૂમિમાં દેશના નામાંકિત કલાકારો પોતાની નૃત્યકલાના કામણ પાથરશે. આ મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિના વિવિધ નૃત્ય પ્રકારોનું પ્રદર્શન કરવામાં આવશે, જેમાં મુખ્યત્વે ભરતનાટ્યમ, કુચિપુડી, કથક અને ઓડીસી આ શાસ્ત્રીય નૃત્યો દ્વારા કલાકારો સૂર્યમંદિરના વાતાવરણને દિવ્ય અને ભક્તિમય બનાવશે.

સ્થાપત્ય અને સંસ્કૃતિનો અનોખો સંગમ

ઉત્તરાયણ પછી સૂર્યના ઉત્તર તરફના પ્રયાણને વધાવવા માટે દર વર્ષે આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. સૂર્યમંદિરના સભામંડપ અને કુંડની રોશની વચ્ચે જ્યારે ઘૂંઘરુનો નાદ ગુંજે છે, ત્યારે એક અલૌકિક દ્રશ્ય સર્જાય છે. આ મહોત્સવ માત્ર મનોરંજન નહીં, પણ આપણી પ્રાચીન વિરાસતને જીવંત રાખવાનો એક નમ્ર પ્રયાસ છે. રાત્રિના સમયે સૂર્યમંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે, જે નૃત્ય પ્રદર્શનમાં ચાર ચાંદ લગાવી દે છે.

આ પણ વાંચો: વડોદરા જિલ્લા સંકલન સમિતિની બેઠકનો ધારાસભ્યો દ્વારા બહિષ્કાર! તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આમને-સામને


પ્રવાસીઓ અને કલાપ્રેમીઓ માટે આકર્ષણ

મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમમાં આવનાર મહેમાનો અને પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ મહોત્સવને જોવા માટે માત્ર ગુજરાત જ નહીં, પણ દેશ-વિદેશથી પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. રાત્રિના સમયે સૂર્યમંદિર પર કરવામાં આવતું લાઈટિંગ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે.

ઉત્તરાર્ધ મહોત્સવનું મહત્ત્વ

‘ઉત્તરાર્ધ’ શબ્દ સૂર્યની ગતિ સાથે જોડાયેલો છે. ઉત્તરાયણ (14મી જાન્યુઆરી) પછી જ્યારે સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરે છે, ત્યારે તે સમયગાળાના મધ્ય ભાગને (અર્ધ ભાગને) ‘ઉત્તરાર્ધ’ કહેવામાં આવે છે. આ સમયે શિયાળો તેના અંત તરફ હોય છે અને દિવસ લાંબો થવાની શરૂઆત થાય છે.

ઐતિહાસિક અને ધાર્મિક જોડાણ 

મોઢેરાનું સૂર્યમંદિર સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિરની રચના એવી રીતે કરવામાં આવી છે કે સૂર્યના કિરણો સીધા ગર્ભગૃહમાં પડે. પ્રાચીન સમયમાં અહીં નૃત્ય અને સંગીત દ્વારા સૂર્યદેવની આરાધના થતી હતી, જેને જીવંત રાખવા સરકાર દ્વારા 1992થી આ મહોત્સવ શરૂ કરવામાં આવ્યો છે.

આ મહોત્સવનો મુખ્ય હેતુ ભારતીય શાસ્ત્રીય નૃત્યોની ‘ગુરુ-શિષ્ય પરંપરા’ને જાળવી રાખવાનો અને તેને લોકો સુધી પહોંચાડવાનો છે. ઐતિહાસિક સ્થાપત્યની પૃષ્ઠભૂમિમાં શાસ્ત્રીય નૃત્ય રજૂ થતા એક દિવ્ય વાતાવરણ સર્જાય છે.