Get The App

ઉત્તરાખંડમાં વાદળ ફાટતાં અનેક ગુજરાતીઓ ફસાયા, પાટણના હારીજના 13 પ્રવાસીઓનો સંપર્ક તૂટ્યો

Updated: Aug 7th, 2025

GS TEAM

Google News
Google News
ઉત્તરાખંડમાં વાદળ ફાટતાં અનેક ગુજરાતીઓ ફસાયા, પાટણના હારીજના 13 પ્રવાસીઓનો સંપર્ક તૂટ્યો 1 - image

Gujarati tourist News:  ઉત્તરાખંડમાં અચાનક વાદળ ફાટવાની ઘટના બાદ અનેક ગુજરાતી યાત્રાળુઓ ફસાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠા, ભાવનગર, અને પાટણ સહિતના વિસ્તારોના અનેક લોકોનો સંપર્ક તૂટી ગયો છે. પાટણ જિલ્લાના હારીજ ખાતેથી ચારધામ યાત્રાએ ગયેલા એક જ પરિવારના 13 સભ્યોનો છેલ્લા 24 કલાકથી વધુ સમયથી કોઈ સંપર્ક થઈ શક્યો નથી, જેને કારણે તેમના પરિવારજનોમાં ભારે ચિંતા પ્રસરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, હારીજના રાવળ સમાજના 13 સભ્યોનો 1 ઓગસ્ટના રોજ ચારધામ યાત્રા માટે નીકળ્યો હતો. તેઓ મહેસાણાથી ટ્રેન મારફતે હરિદ્વાર અને ત્યાંથી ટ્રાવેલ્સ દ્વારા ગંગોત્રી જવા રવાના થયા હતા. ગંગોત્રી પહોંચતા પહેલા પરિવારના એક સભ્ય રમેશભાઈ જીવનભાઈ રાવલના દીકરાએ ફોન પર વાત કરી હતી. જોકે, તે રાત્રે ઉત્તરાખંડના ધરાલી વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની અને ત્યારથી તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી.

ઉત્તરાખંડમાં વાદળ ફાટતાં અનેક ગુજરાતીઓ ફસાયા, પાટણના હારીજના 13 પ્રવાસીઓનો સંપર્ક તૂટ્યો 2 - image

છેલ્લા 24 કલાકથી વધુ સમયથી સંપર્ક વિહોણા બનેલા આ 13 યાત્રાળુઓ અંગે પરિવારજનો ચિંતાતુર બન્યા છે અને તંત્ર તાત્કાલિક તેમનો સંપર્ક કરાવે તેવી અપીલ કરી રહ્યા છે. પરિવારજનોએ આ અંગે હારીજ મામલતદાર ઓફિસને પણ જાણ કરી છે.

આ ઉપરાંત, બનાસકાંઠાના 10 લોકો અને ભાવનગરના 15 જેટલા સભ્યો પણ ઉત્તરાખંડમાં ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. તેમના પરિવારજનો પણ સંપર્ક કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે અને રાહત-બચાવ કામગીરી ઝડપી બને તેવી આશા રાખી રહ્યા છે. ઉત્તરાખંડમાં થયેલી આ કુદરતી દુર્ઘટના બાદ રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા ફસાયેલા યાત્રાળુઓને સુરક્ષિત બહાર કાઢવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

ઉત્તરાખંડમાં વાદળ ફાટતાં અનેક ગુજરાતીઓ ફસાયા, પાટણના હારીજના 13 પ્રવાસીઓનો સંપર્ક તૂટ્યો 3 - image