નવી પ્રાથમિક શાળા શરૃ કરવાની 100 અરજી પૈકી તમામ રદ કરાઇ
સરકારે સ્કૂલો અંગેના નિયમોમાં છૂટ આપી પણ નવી પ્રાથમિક શાળા ચાલુ કરવા માટે નિયમોમાં ફેરફાર કરાયો નથી
સુરત,તા.5 ઓકટોબર,2019,શનિવાર
ગુજરાત સરકારે નવી માધ્યમિક શાળા માટે જે કડક નિયમો બનાવાયા હતા. તેમાં ફેરફાર કરાયા છે.પરંતુ પ્રાથમિક શાળામાં શાળાની મંજુરી માટે જુના નિયમો જ લાગુ કરાયા હોવાથી આ વર્ષે સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ નવી પ્રાથમિક શાળા શરૃ કરવા માટે આવેલી 100 અરજીમાંથી એક પણ અરજીમાં જરુરી તમામ પુરાવા ન હોવાથી રદ્ કરી દીધી હતી.
સપ્ટેમ્બર 2018 માં રાજયના શિક્ષણ વિભાગે નવી માધ્યમિક શાળા શરૃ કરવા માટેના નિયમોમાં ધરખમ ફેરફાર કર્યા હતા. જેના પગલે નવી શાળાની મંજુરી લેવી સંચાલકો માટે ભારે મુશ્કેલી થઇ ગઇ હતી. શાળાના મકાનના બાંધકામ માટે જરૃરી જમીન બાદ કરતા રમત ગમતના મેદાન માટે માલિકીની ઓછામાં ઓછી 1200 ચો.મી જમીન હોવી જરૃરી છે. આ ઠરાવના કારણે ખાસ કરીને શહેરી વિસ્તારમાં જમીનો મળવી મુશ્કેલ હોવાથી સંચાલકોએ રજુઆત કરતા ફેરફાર કરાયા છે. જો કે આ ફેરફાર વચ્ચે હજુ સુધી પ્રાથમિક શાળાની મંજુરીમાં આ નિયમો યથાવત જ રખાયા છે. એમાં કોઇ સુધારો કરાયો નથી.
નવી પ્રાથમિક શાળાની મંજુરી જિલ્લા કક્ષાએ સુરત જિલ્લા શિક્ષણાધિકારી આપતા હોય છે. જેમાં આ વર્ષે સુરત શહેરમાં અધધધ 100 જેટલી નવી પ્રાથમિક શાળાઓ શરૃ કરવા માટે અરજીઓ આવી હતી. આ અરજીઓમાં મુખ્યત્વે શાળાની જમીન ટ્રસ્ટની માલિકીની હોવી જોઇએ. શાળામાં 1200 ચો.મીની રમત ગમત મેદાન હોવુ જોઇએ, આવા કડક નિયમોના કારણે જે 100 અરજીઓ આવી હતી તેમાંથી એક પણ અરજીમાં સંપૂર્ણ ન હોવાથી જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ અરજીઓ રદ્ કરી દીધી હતી.