સુંઘવા માત્રથી ટમ્મર આવે તેવી પ્રોસેસથી બનતો દેશી દારૂ : દેશી દારૂમાં અખાદ્ય ગોળ, નવસાર, યુરીયા ખાતર, ઢોરના ઇન્જેકશન, બેટરીના સડેલા સેલનો ઉપયોગ
સુરત
સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવનાર બોટાદના લઠ્ઠાકાંડને પગલે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોવાની ચોમેરથી ચર્ચાઓ ઉઠવા પામી છે. બુટલેગરોની પોલીસ સાથેની સાંઠગાંઠ ઉપરાંત રાજકીય નિષ્ક્રીતા મુદ્દે પણ સોશ્યિલ મિડીયા ઉપર ભારે ટીકાઓ વચ્ચે રાજયમાં સમયાંતરે સર્જાતા લઠ્ઠાકાંડ એટલે કે ઝેરી દારૂ કઇ રીતે બને છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.
દેશના અન્ય રાજયોની સરખામણીમાં ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ પોલીસની સાંઠગાંઠને પગલે દારૂબંધી માત્ર કાગળ પર સિમીત છે અને તેના વળવા પરિણામ સ્વરૂપ સમયાંતરે લઠ્ઠાકાંડ સર્જાય છે. જાણકારોના મત મુજબ દેશી દારૂ બનાવવા અખાદ્ય ગોળ, નવસાર, યુરીયા ખાતરની સાથે ઢોરના ઇન્જેકશન, જુના સડેલા બેટરીના સેલનો ઉપયોગ કરવામાં આવે છે. અખાદ્ય ગોળને વધુ સડવા દેવા માટે કયારેક કંતાન, પગ લૂંછણીયા, સ્પીરીટ, બુટ પોલીશમાં વપરાતું કેમીકલ, લોખંડનો ભુક્કાનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
કઇ રીતે દેશી દારૂ બનાવવામાં આવે છે ?
લઠ્ઠાને ગામઠી ભાષામાં ઝેરી દારૂ કહેવામાં આવે છે. નિષ્ણાંતોના મતે સુગર ફેક્ટરીમાંથી મળતા મોલાસીસ જેને આપણે અખાદ્ય ગોળ કે કાળા ગોળ તરીકે ઓળખીએ છે. આ અખાદ્ય ગોળમાં રસાયણ, નવસાર અને યુરિયા ખાતર યોગ્ય પ્રમાણમાં ભેળવીને પાણીમાં નાંખવામાં આવે છે. આ મિશ્રણને ઓછામાં ઓછા પાંચથી છ દિવસ સુધી તીવ્ર દુર્ગંધ નહી આવે ત્યાં સુધી આથો ચઢવા દેવામાં આવે છે. ત્યાર બાદ આ મિશ્રણને બેરલ કે પીપમાં ભરી જમીનમાં ખાડો ખોદીને દાટી દઇ ઉપરનો ભાગ ખુલ્લો રાખવામાં આવે છે. જેને 60 ડિગ્રી તાપમાને ગરમ કર્યા બાદ ઇથોનલ બને છે. જેને દેશી દારૂ કહેવાય છે પરંતુ આ મિશ્રણમાં યોગ્ય પ્રમાણ નહીં જળવાય અને 62 ડિગ્રીથી વધુ તાપમાને ગરમ કરવામાં આવે તો ઇથોનલની સાથે મિથોનલ પણ આવે છે. જે એક ઝેર સમાન બની જાય છે જેના પીવાની દારૂડિયાના ફેફસા અને કિડની ઉપર અસર થતા મોત થાય છે. તેવા સંજોગોમાં લઠ્ઠાકાંડ સર્જાય છે.
ઝડપથી આથો ચઢે તે માટે ઢોરના ઇન્જેકશન, લોખંડના ભુક્કા અને બેટરીના સેલ નાંખવામાં આવે છે
અન્ય ધંધાની જેમ દારૂના બેનંબરી ધંધામાં પણ હરીફાઇ હોવાથી દારૂનું ઉત્પાદન વધારવા માટે જેના વિચાર માત્રથી કંપારી છુટી જાય છે તેવી વસ્તુઓનો દારૂની ભઠ્ઠી વાળા ઉપયોગ કરે છે. અખાદ્ય ગોળ, નવસાર અને યુરીયા ખાતર ઉપરાંત ઢોરના ઇન્જેકશન, જુના સડેલા બેટરીના સેલનો ઉપયોગ કરવામાં આવે છે. અખાદ્ય ગોળને વધુ સડવા દેવા માટે કયારેક કંતાન, પગ લૂંછણીયા, સ્પીરીટ, બુટ પોલીશમાં વપરાતું કેમીકલ, લોખંડનો ભુક્કો પણ નાંખવામાં આવે છે. ઉપરાંત દારૂ બનાવવા માટે ચોખ્ખા પાણીને બદલે નદી, નાળા કે પછી ગટરના પાણીનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
પહેલી ધારનો દેશી દારૂ બાઇકમાં ઇંધણનું પણ કામ કરી શકે છે
અખાદ્ય ગોળ, નવસાર અને યુરીયાના મિશ્રણનો આથો ચઢયા પછી તેને જમીનમાં દાટી દઇ ગરમ કરવામાં આવે છે. તેમાંથી જે વરાળ નીકળે છે પ્રવાઈમાં રૂપાંતરીત થઇ પાઇપ વાટે પીપ અથવા બેરલમાં એકત્રિત થાય છે. આ રીતે જે પ્રથમ દારૂ આવે તેને દારૂડિયાની ભાષામાં પહેલી ધારનો દારૂ કહેવાય છે. જાણકારોના મત મુજબ પહેલી ધારનો દારૂ બાઇકમાં પેટ્રોલ તરીકે ઇંધણનું કામ કરી શકે છે. તેવા સંજોગોમાં જો 100 થી 150 સી.સીના એન્જિનને શરૂ કરવાની તાકાત ધરાવતા પહેલી ધારના દેશી દારૂના સેવનથી દારૂડિયાના અવયવોની શું હાલત થતી હશે તે વિચાર માત્રથી કંપારી છુટી જાય છે.
મિથેનોલથી શરીર ઉપર શું અસર થાય છે ?
- શ્વાસ રૂંધાવા લાગે છે.
- શરીરમાં સુગર ઘટી જાય છે.
- આંખની તેજસ્વીતા ઓછી થાય અથવા તો અંધાપો આવી જાય છે.
- શરીર ઠંડુ પડી જાય છે અને એસીડોસીસ થઇ જવાની શકયતા છે.
ઇથેનોલ સાથે મિથેનોલ આવી જાય તો શરીરના આંતરિક અવયવોને ભારે નુકશાન, મોત પણ થઇ શકેઃ ડો. ટાંક
વીએનએસજીયુના જીવશાસ્ત્ર વિભાગના નિવૃત એચ.ઓ.ડી ડો. એસ.કે. ટાંકએ જણાવ્યું હતું કે દેશી દારૂ બનાવવા જયારે અખાદ્ય ગોળ, રસાયણ અને નવસારના મિશ્રણ તૈયાર કરી ગરમ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન જાળવવું મહત્વનું છે. સામાન્ય પણે ઇથેનોલ એટલે કે દેશી દારૂ બનાવવા માટે 60 થી 62 ડિગ્રી તાપમાન મેઇન્ટેન કરવાનું હોય છે. જો તાપમાન 62 ડિગ્રીથી વધી જાય તો ઇથેનોલની સાથે મિથેનોલ પણ આવે છે. જે પીવાથી માણસના આંતરિક અવયવોને ભારે નુકશાન થાય છે અને તેનું મોત પણ થાય છે.
મિથેનોલની અસર સામાન્ય પરંતુ શરીરમાં પ્રવેશતા જ ઝેરી અસર
ફોરેન્સિક અને મેડીકો લીગલ કન્સલ્ટન્ટ ડો. વિનેશ શાહે જણાવ્યું હતું કે મિથેનોલની સામાન્ય પણે ઝેરી એસર ઓછી હોય છે પરંતુ શરીરમાં પ્રવેશતાની સાથે તે ઝડપથી ફેલાઇ જાય છે. શરીરમાં ફેલાયા બાદ ફોર્માલીફાઇડ કે જે મિથેનોલ કરતા 33 ગણો વધારે ફોર્મીક એસિડમાં રૂપાંતરીત થાય છે. આ ઉપરાંત ફોર્મીક એસિડ શરીરમાંથી જલ્દી વિઘટીત થતું નથી. જેથી શરીરમાં તેની ઝેરી અસર વધારે જોવા મળે છે.