જિલ્લામાં ગણેશોત્સવ દરમિયાન ચુસ્ત બંદોબસ્ત રાખવા તાકીદ
સંવેદનશીલ વિસ્તારોમાં વધુ સતર્કતા રાખવા જિલ્લા પોલીસ વડાએ સૂચના આપી
વડોદરા,ગણેશોત્સવ દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ના બને તે હેતુસર જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ પોલીસ અધિકારીઓને તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. ગણેશોત્સવ દરમિયાન સતત પેટ્રોલિંગ કરવા જણાવ્યું છે.
વડોદરા જિલ્લામાં ગણેશોત્સવ દરમિયાન ગણેશજીની નાની, મોટી એક હજાર મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. તાજેતરમાં જ વડોદરા શહેરમાં શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકીને કોમી શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. ત્યારબાદ પોલીસ તંત્ર વધુ સતર્ક થઇ ગયું છે. જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં ભૂતકાળમાં જે વિસ્તારમાં કોમી છમકલા થયા હતા.તે વિસ્તારની માહિતી મંગાવીને વધુ સતર્કતા રાખવા માટે જણાવવામાં આવ્યું છે. વડોદરા ગ્રામ્યમાં સંવેદનશીલ ગણાતા પાદરા, ડભોઇ, કરજણ, સાવલી તથા ભાદરવા વિસ્તારમાં વધુ સતર્કતા રાખવા માટે સૂચના આપવામાં આવી છે. જ્યારે અંતિમ દિવસના વિસર્જન માટે બહારગામથી પણ પોલીસ બોલાવવામાં આવી છે.