વડોદરા જેવી દુર્ઘટના થાય તે પહેલાં સુરતના કામરેજ ખાતે તાપી બ્રિજનું તાકીદે રીપેરીંગ જરૂરી : કુમાર કાનાણી
Surat Kamrej Bridge : વડોદરા હાઈવે પર દુર્ઘટના બાદ સુરતના તાપી બ્રીજ ચર્ચામાં આવ્યો છે અને તે બ્રિજ જોખમકારક હોવાની વાત લોકો બાદ હવે સુરતના ધારાસભ્યએ પણ આ બ્રિજને જોખમી ગણાવ્યો છે. અને પાદરા જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન થાય તે પહેલાં આ બ્રિજનું કામ ચલાઉ પ્લેટ લગાવી છે તેને કાઢીને બ્રિજ રીપેરીંગ કામગીરી કરવી જોઈએ. આ બ્રિજને તાકીદે રીપેરીંગની જરૂર છે. તેથી ટ્રાફિકની સમસ્યાનો હલ લાવીને પણ બ્રિજ રીપેર ની કામગીરી કરી દુર્ઘટના થાય તે પહેલા કામગીરી કરવી જરૂરી હોવાનું વરાછાના ધારાસભ્યએ જણાવ્યું હતું.
ગઈકાલે વહેલી સવારે વડોદરા-પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ સુરતમાં પણ બ્રિજની હાલત પર ચર્ચા નીકળી છે. સુરતમાં કામરેજ નજીક તાપી નદી પર બનાવેલા બ્રિજ જર્જરિત છે અને તેને રીપેર માટે અત્યાર સુધી લોકો માંગણી કરી રહ્યાં હતા પરંતુ હવે ભાજપના ધારાસભ્યએ પણ આ બ્રિજને તાકીદે રીપેર કરવા માટે પોતાનો સુર પુરાવ્યો છે.
સુરતના કામરેજ બ્રિજ અંગે વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, સુરતના કામરેજ ખાતે તાપી નદી પર બ્રિજ બનાવવામાં આવ્યો છે તેની વચ્ચેના ભાગે એક લોખંડની પ્લેટ નાખવામાં આવી છે. આ પ્લેટ પહેલા નાખી ત્યારે એક ફૂટ જેટલી પહોળી હતી આજે આ પ્લેટ સાત ફૂટ પહોળી થઈ ગઈ છે. તેનો મતલબ એવો થયો છે કે ક્ષતિ વધતી જઈ રહી છે અને પ્લેટ મોટી થતી જઈ રહી છે. આ પ્લેટ પરથી વાહન ચાલે એટલે પ્લેટ ઉંચી નીચી થાય છે. પછડાય છે તેથી મને એવું લાગે છે કે આ તાત્કાલિક ધોરણે રીપેર કરવાની જરૂર છે. મને એવું જાણવા મળ્યું છે કે હાઇવે ઓથોરિટી ટ્રાફિકની સમસ્યા વધુ થાય તે માટે પ્લેટથી કામ ચલાવી રહી છે. પરંતુ હું ચોક્કસ પણે એવું માનું છું કે ક્ષતિ વધતી જઈ રહી છે અને ક્યાં સુધી પ્લેટથી કામગીરી ચલાવવાની છે? આ રીપેર કરવાની જરૂર છે આજે નહીં તો કાલે તે રીપેર કરવાની જરૂર તો પડવાની જ છે. ટ્રાફિકની સમસ્યા આજે થાય તો કાલે પણ થઈ શકે છે તે એટલી જ વાસ્તવિકતા છે.
જોકે, ટ્રાફિકની ચિંતા કર્યા વિના ટ્રાફિક ડાઈવર્ઝન થઈ શકે તેમ છે તેથી તેવું આયોજન કરવું જરૂરી છે. આ ઉપરાંત આ રીપેરીંગ કામગીરી દરમિયાન થોડું ટ્રાફિક થાય તો સહન કરીને પણ બ્રિજનું તાત્કાલિક ધોરણે રીપેર કરવું જરૂરી છે. આ કામગીરી આજે નહી તો કાલે કરવાનું છે એટલે દુર્ઘટના ઘટે તે પહેલાં આ પ્લેટ કાઢીને બ્રિજનું રીપેરીંગ કરવું જોઈએ. જો આમ થાય તો દુર્ઘટના ટાળી શકાય તેમ છે.